DOGE એ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ ૨૧ મિલિયન ડૉલર પર કાતર ફેરવી નાખવાનો નિર્ણય કર્યો છે
New Delhi, તા.૧૯
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં મતદારોને પ્રભાવિત કરવા માટે ૨૧ મિલિયન ડોલરના અમેરિકન ભંડોળને રોકવાના DOGE વિભાગના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારત જેવા દેશને આવી મદદ પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે અમે ભારતને બે કરોડ ડોલર કેમ આપી રહ્યા છીએ? તેની પાસે ઘણા પૈસા છે. તે વિશ્વના સૌથી વધુ ટેક્સ વસૂલતા દેશોમાં સામેલ છે. તેમના ટેરિફ પણ ખૂબ ઊંચા છે. મને ભારત પ્રત્યે ખૂબ માન છે પણ મતદાન માટે ૨૦ મિલિયન ડોલર શા માટે ચૂકવવા?ઉલ્લેખનીય છે કે ૧૬ ફેબ્રુઆરીએ ઈલોન મસ્કના નેતૃત્વ હેઠળના DOGE એ વિવિધ દેશોના ભંડોળને રોકવાની જાહેરાત કરી હતી, જેમાં ભારતમાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે ૨૧ મિલિયન ડોલરની રકમનો પણ સમાવેશ થતો હતો. DOGE એ કહ્યું હતું કે અમેરિકાએ ભારતમાં મતદાન વધારવા માટે રચાયેલ ૨૧ મિલિયન ડૉલર પર કાતર ફેરવી નાખવાનો નિર્ણય કર્યો છે. ખરેખર તો અમેરિકા ચૂંટણી દરમિયાન મતદારોની ભાગીદારી વધારવા માટે ભારતને ૨૧ મિલિયન ડોલર આપતું હતું. પરંતુ હવે ભારતને આ ભંડોળ મળશે નહીં. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ભારતના આકરા ટેરિફ અંગે ઘણી વખત નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં સૌથી વધુ ટેરિફ છે.