New Delhi તા.14
ભારતમાં હૃદયરોગ અને ફેફસાની બીમારીથી સૌથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે, પરંતુ ડાયાબીટીસના કેસો પણ ઝડપથી વધી રહ્યા છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિઝીઝ 2023ના રિપોર્ટમાં આ જાણકારી બહાર આવી છે. આ જાણકારી બર્લિંગમાં યોજાયેલા વિશ્વ સ્વાસ્થ્ય શિખર સંમેલનમાં જાહેર કરાઈ છે.
રિપોર્ટ અનુસાર 1990ની તુલનામાં ભારતમાં સંક્રામક બીમારીથી મરનારની સંખ્યા ઘટી ગઈ છે, જયારે હવે બિન સંચારી રોગ (એનસીડી)થી લોકો શિકાર થઈ રહ્યા છે અને તેમના મૃત્યુનું પણ મુખ્ય કારણ બની ગયા છે.
બિન સંચારી રોગોમાં એ બીમારીઓ સામેલ થાય છે જે એક વ્યકિતથી બીજી વ્યકિતમાં નથી ફેલાતી હોતી. તેમાં હદય, ફેફસા અને ડાયાબીટીસની બીમારી આવે છે. જોકે 2021માં ભારતમાં મોતનું સૌથી મોટુ કારણ કોરોના હતું, જે 2023માં મોતના મામલામાં 20માં સ્થાને આવી ગયું.
રિપોર્ટ અનુસાર 1990માં સૌથી વધુ મોત ડાયેરિયા (ઝાડા) જેવી બીમારીઓથી થતા હતા. તે સમયે મૃત્યુ દર (એમએસએમઆર) 300.53 દર લાખની વસ્તીએ હતો. હવે 2023માં સૌથી વધુ મૃત્યુ હદયની બીમારીથી થઈ રહ્યા છે. તેનો મૃત્યુ દર 127.82 દર લાખની વસ્તીએ છે.
બિન સંચારી રોગ પર રોક જરૂરી
ડબલ્યુએચઓની પૂર્વ વૈજ્ઞાનિક ડો. સોમ્યા સ્વામીનાથને જણાવ્યું હતું કે ભારતમાં હવે લોકો લાંબા સમય સુધી જીવી રહ્યા છે, પરંતુ વધુ લોકો બીમાર પડી રહ્યા છે. એટલે હવે ધ્યન સ્વસ્થ વૃધ્ધાવસ્થા અને બિન સંચારી રોગ પર રોક હોવી જોઈએ.
જયારે પબ્લીક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (પીએચએફઆઈ)ના ચાન્સેલર કે. શ્રીનાથ રેડ્ડીએ કહ્યું હતું કે છેલ્લા 40 વર્ષથી ભારતમાં ઝડપી ઔદ્યોગીકીકરણ અને શહેરીકરણના કારણે બીન સંચારી રોગ ઝડપથી વધ્યા છે.
13 વર્ષ વધુ ભારતીયોની ઉંમર
લગભગ વીતેલા ત્રણ દાયકાથી વધુ સમયમાં ભારતીયોની વય 13 વર્ષ વધી છે. બીમારીઓની રીતોગાં ફેરફાર છતા 1990થી 2023 દરમિયાન ભારતમાં જીવન સરેરાશમાં વધારો થયો છે. કુલ જીવન સરેરાશ 1990માં 58.46 ટકા હતી જે હવે વધીને 2023માં 71.56 વર્ષ થઈ છે.
ભારતમાં મૃત્યુ દરમાં ઘટાડો
ભારતમાં કુલ મૃત્યુ દરમાં ઘટાડો થયો છે. 1990માં ભારતમાં દર 1 લાખ લોકોએ લગભગ 1513 લોકોના મોત થતા હતા, જયારે 2023માં આ સંખ્યા ઘટીને 871 થઈ છે.