Washington,તા.22
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા બદલ ભારત પર લાદેલા 25% ટેરીફ છતા પણ ભારતે તેના કાયમી મિત્ર સમાન રશિયાનું ક્રુડતેલ ખરીદવાનું યથાવત જ રાખતા અને બન્ને દેશોના વ્યાપારીક સહિતના સંબંધો વધુ ગાઢ બનાવવા આગળ વધતા જ અમેરિકા વધુ ઉશ્કેરાયુ હતું.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપાર સલાહકાર પીટર નવાસેએ ભારતને ટેરીફ મહારાજા ગણાવીને રશિયન ક્રુડતેલ ખરીદીમાં પણ નફાખોરી કરી રહ્યું હોવાનો આરોપ મુકયો હતો અને કહ્યું કે બહું જલ્દી ભારત પર 50% ટેરીફ લાગુ થઈ જશે.
તેઓએ વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે યુક્રેન યુદ્ધમાં ભારત એ રશિયા માટે લોન્ડ્રી જેવી કામગીરી કરે છે. યુક્રેન-રશિયાના યુદ્ધ પુર્વે તે રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદતા ન હતા. રશિયા ભારતને વધુમાં વધુ તેની જરૂરિયાતનું 15% ક્રુડતેલ આપતું હતું હવે તે ટકાવારી 35% થઈ ગઈ છે પણ ભારતને આટલા ક્રુડતેલની જરૂરિયાત નથી પણ તે રશિયન ક્રુડતેલ રીફાઈન કરી દુનિયાભરમાં વેચીને નફો કરે છે. આ બન્ને દેશો વચ્ચે નફો કરવાની સંયુક્ત યોજના છે. ભારત રશિયા માટે લોન્ડ્રી જેવું કામ કરે છે.
તેઓએ જણાવ્યું કે ભારત હવે ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ સાથે નજદીકીયા વધારે છે પણ ભારત જો રશિયાનું ક્રુડતેલ ખરીદવાનું બંધ કરે તો યુક્રેન-યુદ્ધ ઝડપથી પુરુ થઈ જશે. શાંતિનો માર્ગ ભારતથી પસાર થાય છે. રશિયાને યુદ્ધ માટે નાણા ભરત આ ક્રુડતેલના માર્ગે ઉપલબ્ધ કરાવે છે જે બંધ થવું જરૂરી છે.
ભારતના અમેરિકી ઉત્પાદનો માટે ઉચ્ચ ટેરીફ છે. ભારત આ રીતે દગાખોરી કરે છે તે ટેરીફનું મહારાજા છે. અમેરિકા-ભારતની વ્યાપાર ખાધ ખૂબજ વધુ છે. તે અમેરિકાને સામાન વેચીને જે નાણા મળે તેનો ઉપયોગ રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદીમાં કરે છે પછી તે પ્રોસેસ કરીને ખૂબ નાણા કમાય છે. રશિયા તે નાણાનો ઉપયોગ શસ્ત્રો બનાવવામાં અને યુક્રેનને મારવામાં કરે છે.