ભારતના વિદેશ મંત્રાલયે તુર્કિશ રાજદૂત સમક્ષ આવી બિનજરૂરી અને અસ્વીકાર્ય ટિપ્પણી કરવા બદલ વિરોધ નોંધાવ્યો હતો
New Delhi, તા.૨૨
કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ મુજબ ઉકેલવો જોઈએ તેવા તુર્કિયેના રાષ્ટ્રપતિ રીસિપ તૈયીપ અર્ડોગને કરેલાં નિવેદનનો ભારતે આકરો વિરોધ નોંધાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયે તુર્કિશ રાજદૂત સમક્ષ આવી બિનજરૂરી અને અસ્વીકાર્ય ટિપ્પણી કરવા બદલ વિરોધ નોંધાવ્યો હતો. તુર્કિયેના રાષ્ટ્રપતિ અર્ડોગને ઈસ્લામાબાદમાં પાકિસ્તાની વડાપ્રધાન શેહબાઝ શરીફ સાથેની મુલાકાત દરમિયાન આ વિવાદિત નિવેદન કર્યું હતું. ગત ૧૩ ફેબ્રુઆરીના રોજ અર્ડોગને ઈસ્લામાબાદમાં શેહબાઝ સાથે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાને સંવાદ દ્વારા ઉકેલવો જોઈએ. યુએનના ઠરાવ મુજબ સંવાદ દ્વારા અને કાશ્મીરના લોકોની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને કાશ્મીરની સમસ્યાનું સમાધાન કરવું જોઈએ. અર્ડોગનના આ વિવાદિત નિવેદનનો જોરદાર વિરોધ કરતાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતની આંતરીક બાબતોને લગતી આ પ્રકારની વાંધાજનક ટિપ્પણીઓનો અમે નકારીએ છીએ.