Mumbai,તા.22
આવતા મહિને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનારા એશિયા કપ માટે ભારત અને પાકિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. હવે રમતપ્રેમીઓ માત્ર 14 સપ્ટેમ્બરે આ બંને વચ્ચેની ટક્કરની રાહ જોઈ રહ્યાં છે.
એશિયા કપના તમામ ફોર્મેટમાં બંને ટીમો 18 વખત આમને-સામને ટકરાઈ છે, જેમાંથી 10માં ભારતનો વિજય થયો છે જ્યારે છ મેચમાં પાકિસ્તાનનો વિજય થયો છે. ટી-20 ફોર્મેટમાં આ બંને ટીમો વચ્ચે ત્રણ મુકાબલા ખેલાયા છે અને તેમાંથી બેમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી છે.
જ્યારે એકમાં પાકિસ્તાનનો પણ વિજય થયો છે. આ વખતે એશિયા કપમાં બંને ટીમોમાંથી ટોપ-4ની તુલના કરવામાં આવે તો ભારતીય ટીમ ખુબ જ મજબુત લાગી રહી છે. પાકિસ્તાને તાજેતરનાં ભૂતકાળમાં ઘણી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેણે ટોપ ઓર્ડરમાં બાબર સહિત ઘણાં ખેલાડીઓને અજમાવ્યા છે. હવે બાબર અને રિઝવાન ટીમમાં ન હોવાથી બધાની નજર ટોપ ઓર્ડર પર રહેશે. ભારતીય ટીમની રીતે જોઈએ તો પાકિસ્તાનના ટોપ-4ના અગાઉના દેખાવમાં પણ ફરક પડશે.
પાકિસ્તાને ટોપ-4માં સાહિબઝાદા ફરહાન અને સૈઈમ અયુબને અજમાવ્યા છે અને બંનેએ ખુબ જ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. 29 વર્ષીય સાહિબઝાદા છેલ્લી છ ટી-20 ઈન્ટરનેશનલમાંથી ત્રણમાં પ્લેયર ઓફ ધ મેચ રહી ચૂક્યો છે. આ સાથે જ 23 વર્ષના આ ખેલાડીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાની છેલ્લી ત્રણ મેચમાંથી બે મેચમાં ફિફ્ટી ફટકારી છે.
બેજોડ અભિષેક
અહીં ભારત પાસે એવો ઓપનર છે જેણે હાલનાં સમયે ટી-20 ફોર્મેટમાં ધમાલ મચાવી છે. ડાબોડી બેટ્સમેન અભિષેક બોલરો માટે આતંકનો વિષય છે. ટી-20 ફોર્મેટમાં વિશ્વનાં નંબર-1 બેટ્સમેન અભિષેકે અત્યાર સુધી કુલ 17 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને તેની સ્ટ્રાઈક રેટ 200થી વધુ છે.
આ ફોર્મેટમાં તેણે બે સદી પણ ફટકારી છે. પહેલાં જ બોલથી બોલરોને તોડી નાંખનારા અભિષેકે પણ અત્યાર સુધીમાં 41 છગ્ગા ફટકાર્યા છે. પાકિસ્તાનનું બોલિંગ આક્રમણ હંમેશા સારું રહ્યું છે અને અભિષેકની આકરી કસોટી થઈ શકે છે.
બીજા છેડેથી અભિષેકને કદાચ શુભમન ગિલનો સાથ મળશે, જે છેલ્લાં એક વર્ષથી ટી-20 મેચ રમ્યો નથી. જોકે આઇપીએલ 2025 અને ઈંગ્લેન્ડ પ્રવાસમાં રન ફટકારીને ગિલે તે કઈ લયમાં છે તે દર્શાવી દીધું છે.
ટી-20ના ફોર્મેટમાં ભારત પાસે બેટીંગ ઓર્ડરમાં પ્રત્યેક સ્થાન માટે એકથી વધુ સ્પેશિયાલીસ્ટ ખેલાડીઓ છે. ટીમ ઇન્ડિયાના નંબર-3 અને નંબર-4 તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ છે. ટી-20 રેન્કિંગમાં તિલક હાલમાં અભિષેકને પાછળ રાખીને બીજા ક્રમે છે જ્યારે સૂર્યકુમાર પણ નંબર 6 પર છે. ત્રીજા નંબર પર બઢતી મળ્યા બાદ તિલકે બે સદી ફટકારી છે.
સાથે જ સૂર્યકુમારે ઘણી વખત સાબિત કરી દીધું છે કે તે કોઇ પણ પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કરી શકે છે. સાથે જ તેઓ મેચને પોતાનાં પક્ષમાં કરવાની ક્ષમતા ધરાવે છે.
પાકિસ્તાનના નંબર 3 અને નંબર 4 અનુક્રમે કેપ્ટન ફખર ઝમાન અને હસન નવાઝ બની શકે છે. ફખરે કેપ્ટન્સીમાં સારાં પરિણામ આપ્યાં છે, પરંતુ બેટથી એ બહુ ખતરનાક નથી લાગ્યો, જ્યારે હસને પાવર હિટિંગનો વ્યૂ રજૂ કર્યો છે.