New Delhi, તા.20
ભારત અને અમેરીકા વચ્ચે લાંબા સમયથી ટેરીફ મુદે સર્જાયેલા વિવાદમાં એક તરફ હાલમાં જ અમેરીકાએ ભારતના કૃષિ ઉત્પાદનો પરનો ટેરીફ જે 50 ટકા હતો તે ફરી એક વખત તેના મુળ દરે લાવી દીધો છે અને તેનાથી રૂા.9 હજાર કરોડથી વધુની કૃષિ નિકાસનો અમેરીકામાં ફરી એક વખત સ્થાન મળશે તે નિશ્ચિત બન્યું છે.
બીજી તરફ ભારતે પણ અમેરીકા સાથેના સંબંધોને મહત્વ આપીને દેશની સરકારી ઓઈલ કંપનીઓએ અમેરીકા પાસેથી 2.2 મીલીયન ટન કુકીંગ ગેસ ખરીદવા માટે જે જંગી કરાર કર્યો છે તે પછી એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ભારત અને અમેરીકા હવે લશ્કરી વ્યુહાત્મક સોદામાં પણ આગળ વધી રહ્યા છે.
અમેરીકાએ ભારતને 93 બીલીયન ડોલરના અત્યંત આધુનિક હથીયારો વેચવાની પણ મંજુરી આપી છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ અંગે જાહેર કરેલી માહિતી મુજબ ભારતને તે અતી આધુનિક જેવીલીન એન્ટીટેન્ક મીસાઈલ ઉપરાંત એકસ કેલીબર પ્રીઝીશન ગાઈડેડ આર્ટીલરી વેચશે.
આમ બન્ને દેશો પોતાના વિવાદને ઉકેલવા માટે એક પછી એક વ્યાપારી સોદા કરી રહ્યા છે. નવા સોદામાં 100 જેવીલીન એન્ટીટેન્ક મીસાઈલ, 216 એકસ પ્રીઝીશન આર્ટીલરી રાઉન્ડ મળશે અને અમેરીકી સંસદ સમક્ષ આ સોદાને માન્યતા આપવા દરખાસ્ત કરાઈ છે. જેના કારણે ભારતીય સૈન્યની ક્ષમતા પણ વધશે.
અમેરીકાએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના સોદા એ બન્ને દેશ વચ્ચેના મહત્વપૂર્ણ લશ્કરી સંબંધો મુજબ લેવાયો છે. જેવીલીન મીસાઈલ એ દુનિયામાં સૌથી આધુનિક અને ખભા પરથી છોડી શકાય તેવી એન્ટીટેન્ક મીસાઈલ છે અને તેની પ્રહાર ક્ષમતા અત્યંત સચોટ છે જેના કારણે ભારતીય સૈન્યની મારક ક્ષમતા વધશે અને અન્ય હથીયારો પણ દેશના સૈન્ય માટે મહત્વપૂર્ણ બનશે.

