Islamabad તા.19
પાકિસ્તાનમાં આતંકવાદને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ દેશમાં થતા હુમલાઓ માટે ભારત અને અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવી રહ્યા છે, તો બીજી તરફ, ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ પોતાની જ સરકાર પર “બનાવટી આતંકવાદ” ફેલાવવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે.
એક ટીવી કાર્યક્રમમાં, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતીય સેના પ્રમુખના તાજેતરના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ભારત ફરીથી પાકિસ્તાન પર ‘ઓપરેશન સિંદૂર’ જેવો હુમલો કરી શકે છે.
“પાકિસ્તાન ભારતના આર્મી ચીફના નિવેદનને નકારી શકે નહીં. ભારત સરહદ પાર સ્ટ્રાઇક કરી શકે છે.”તેમણે અફઘાનિસ્તાન પર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, “કાબુલ આતંકવાદીઓનો અડ્ડો બની ગયું છે” અને આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાનથી થતી ઘૂસણખોરીમાં ભારતની પણ ભૂમિકા છે.
ખ્વાજા આસિફના નિવેદનોથી વિપરીત, ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સોહેલ આફ્રિદીએ પાકિસ્તાની સરકાર અને સેનાની પોલ ખોલી નાખી છે. તેમણે આરોપ લગાવ્યો કે ઇસ્લામાબાદ (કેન્દ્ર સરકાર) પોતાના રાજકીય એજન્ડા માટે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ નથી ઈચ્છતું અને “બનાવટી” આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપે છે.
આફ્રિદીએ કહ્યું, “જે માનસિકતાએ 71 વર્ષ સુધી પાકિસ્તાન પર રાજ કર્યું, તેણે સાબિત કરી દીધું છે કે આ આતંકવાદ સંપૂર્ણપણે મનઘડંત છે. તેઓ પોતાના હિતો મુજબ શાંતિનો દુરુપયોગ કરે છે.” પાકિસ્તાની સેના દ્વારા પશ્તુન તહફ્ફુઝ મૂવમેન્ટ (PTM)ના સભ્યોના અપહરણની નિંદા કરી.
તેને અફઘાનિસ્તાન સાથેની શાંતિ વાર્તાને તોડવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો. “જેમ મારા નેતા ઇમરાન ખાન ક્યારેય તમારી (સરકાર) સામે ન ઝૂક્યા, હું પણ નહીં ઝૂકું. જે કોઈ પણ આપણી શાંતિ ભંગ કરે છે, તે આપણો સહિયારો દુશ્મન છે.”

