હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દરેક ખરીદીમાં દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ : મોદી
Varanasi, તા.૨
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યું હતું. હવે ટ્રમ્પને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોરદાર જવાબ આપ્યો છે. વારાણસીમાં જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે, ભારત હવે દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના માર્ગે છે. હવે સમય આવી ગયો છે કે તમામ ભારતીય નાગરિકોએ દરેક ખરીદીમાં દેશના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ.
ભારતીય નાગરિકોને અપીલ કરતા પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે, હવે ભારત પણ દરેક વસ્તુની પરખવા માટે ફક્ત એક જ વસ્તુનો ઉપયોગ કરશે. તે છે, ભારતીય પરસેવાથી બનેલી વસ્તુઓ. હવે સમય આવી ગયો છે કે દેશના દરેક નાગરિક, દરેક દુકાનદાર અને દરેક ગ્રાહકે આ મંત્ર અપનાવવો જોઈએ કે આપણે ફક્ત તે જ ખરીદીશું જે ભારતમાં બનેલું છે, જે ભારતીય હાથ દ્વારા બનાવવામાં આવ્યું છે અને જેમાં આપણા દેશનો પરસેવો છે. વૈશ્વિક અસ્થિરતાના યુગમાં, ભારતને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવાની જવાબદારી ફક્ત સરકારની જ નહીં પરંતુ દરેક ભારતીયની છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે દુનિયાનું અર્થતંત્ર અનેક ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યું છે. અસ્થિરતાનું વાતાવરણ છે.
આવી સ્થિતિમાં વિશ્વના દેશો પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારત પણ દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. તેથી, ભારતે પણ તેના આર્થિક હિતો પ્રત્યે સતર્ક રહેવું પડશે. ભારતે ખેડૂતો, નાના ઉદ્યોગો, યુવાનો અને રોજગાર જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવી પડશે.
દરેક નાગરિકની જવાબદારી ગણાવાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર આ દિશામાં દરેક પ્રયાસ કરી રહી છે. પરંતુ દેશના નાગરિક તરીકે, આપણી પણ કેટલીક જવાબદારીઓ છે. ફક્ત મોદી જ નહીં, ભારતના દરેક વ્યક્તિએ દરેક ક્ષણે આ કહેતા રહેવું જોઈએ – બીજાને કહેતા રહેવું જોઈએ. જે લોકો દેશનું ભલું ઇચ્છે છે, જે લોકો દેશને ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવા માંગે છે, તેમણે પોતાનો ખચકાટ છોડીને દેશના હિતમાં દરેક ક્ષણે દેશવાસીઓમાં એક ભાવના જાગૃત કરવી પડશે – તે જ સંકલ્પ છે, આપણે સ્વદેશી અપનાવવી જોઈએ.
આ દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા ને હવે ફક્ત સૂત્રો નહીં પણ વ્યવહારિક જીવનનો ભાગ બનાવવો પડશે.