Mumbai,તા.17
ભારતીય સ્પીડ સ્કેટર આનંદકુમાર વેલકુમારે ચીનમાં બેઇદાઇહેમાં સ્પીડ સ્કેટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પહેલો ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. આ રમતમાં પહેલી વાર રોઈ ભારતીય ખેલાડીએ ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. 22 વર્ષના આનંદકુમારે પુરુષોની સીનિયર 1000 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં 1:24.924ના સમયમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જણાવી દઇએ કે અગાઉ પર આનંદકુમાર વેલકુમારે 500 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્કેટિંગ સ્પર્ધામાં આ મેડલ ભારતનો પહેલો સીનિયર વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ હતો. આ જીત બાદ ભારતે જુનિયર વર્ગમાં પણ જીત હાંસલ કરી છે. જ્યાં કૃષ શર્માએ 1000 મીટર સ્પ્રિન્ટ સ્પર્ધામાં જીત મેળવી હતી. વેલકુમારની જીત ભારત માટે એક નવી સીમાચિહ્નરૂપ છે જેણે વિશ્વ સ્કેટિંગમાં ભારતની પ્રતિષ્ઠાને સતત ઉંચી રાખી છે.
આ વર્ષની શરૂઆતમાં વેલકુમારે ચેંગદૂમાં આયોજિત વિશ્વ રમતમાં 1000 મીટરની સ્પ્રિન્ટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રમતમાં રોલર સ્પોર્ટસમાં ભારત માટે તેણે પહેલો મેડલ જીત્યો હતો. 2021માં તેને જૂનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં 15 કિમી એલિમિનેશન સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને તેની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. બે વર્ષ બાદ તેને હાંગઝોઉમાં આયોજિત એશિયન ગેમ્સમાં 3000 મીટરનિ ટીમ રિલેમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમિલનાડુમાં રહેતા આનંદકુમાર વેલકુમાર રમત સાથે અભ્યાસમાં પણ સારા છે. તેણે એન્જિનિયરિંગમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે.
આનંદકુમાર વેલકુમારે સ્કેટિંગ વિશ્વ ચેમ્પિયનશિપમાં પહેલો ગોલ્ડ મેડલ જીતવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું ‘સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025માં પુરુષોની સીનિયર 1,000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર આનંદકુમાર વેલકુમાર પર મને ગર્વ છે. તેમની ધીરજ, ગતિ અને જુસ્સાએ તેમને સ્કેટિંગમાં ભારતનો પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનાવ્યો છે. તેમની સિદ્ધિ અસંખ્ય યુવાનોને પ્રેરિત કરશે. આનંદ કુમારને અભિનંદન અને તેમના ભવિષ્યના તમામ પ્રયાસો માટે શુભેચ્છાઓ.’