Mumbai,તા.20
એશિયા કપ 2025 ની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ ભારત અને ઓમાન વચ્ચે રમાઈ હતી. ભારતે અબુ ધાબીમાં 21 રનથી મેચ જીતીને એશિયા કપમાં જીતની હેટ્રિક પૂર્ણ કરી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા ભારતે સંજુ સેમસનની ફિફ્ટીની મદદથી ઓમાનને 189 રનનો લક્ષ્યાંક આપ્યો. જવાબમાં, ઓમાને પણ સારી બેટિંગ કરી, જેનો સ્કોર 167 સુધી પહોંચ્યો.
ભારતે પોતાના પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા. બુમરાહ અને વરુણ ચક્રવર્તીને આરામ આપવામાં આવ્યો, અર્શદીપ અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરાયા. અર્શદીપે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું, તેની 100મી T20 વિકેટ લીધી.
નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા આ મેચ પહેલા જ સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગઈ હતી. ભારત 21 સપ્ટેમ્બરે પાકિસ્તાનનો સામનો કરશે. ઓમાનની સફર હવે પૂરી થઈ ગઈ છે, કારણ કે તે તેની ત્રણેય મેચ હારી ચૂકી છે.ભારતે એશિયા કપ 2025નો સૌથી વધુ સ્કોર બનાવ્યો છે અને અફઘાનિસ્તાનની બરાબરી કરી છે. એશિયા કપની પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગ ચીન સામે 188 રન બનાવ્યા હતા. ભારતે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાની વિકેટો એક પછી એક પડતી રહી હોવા છતાં ભારતે મોટો સ્કોર બનાવ્યો છે.