ઇન્ટરવ્યૂમાં કાયોઝે કહ્યું, ભારતીય સેનાની વિનંતિને કારણે અમે કાજોલના પાત્રને ઊંડાણપૂર્વક દર્શાવી શક્યા નહીં
Mumbai, તા.૩૦
કાજોલ, ઇબ્રાહીમ અલી ખાન અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ‘સરઝમીન’ તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થઈ છે, જેને ખાસ પ્રતિસાદ મળ્યો નથી. ફિલ્મને નબળા પ્રતિભાવ મળ્યા છે, તેમાં ઘણા લોકોની કાજોલની બહુ ટૂંકી હાજરીની ફરિયાદ છે. તાજેતરમાં આ ફિલ્મના પ્રમોશન માટે આ ફિલ્મના ડિરેક્ટર કાયોઝ ઇરાનીએ ખુલાસો કર્યો છે કે આ ફિલ્મમાંથી કાજોલના પાત્રનો મહત્વનો હિસ્સો કાપી નાખવો પડ્યો છે. એક ફ્લેશબેક સિક્વન્સ હતી, જેમાં ભુતકાળની વાર્તા હતી, જેમાં તેના પાત્રની વાત કહેવાઈ હતી, જે ફાઇનલ કટમાંથી કાઢી નાખવી પડી હતી. કાયોઝે જણાવ્યું કે ભારતીય સેના તરફથી મળેલા પ્રતિભાવો પછી તેમણે આ નિર્ણય લેવો પડ્યો.ઇન્ટરવ્યૂમાં કાયોઝે કહ્યું, ભારતીય સેનાની વિનંતિને કારણે અમે કાજોલના પાત્રને ઊંડાણપૂર્વક દર્શાવી શક્યા નહીં. સમયની કમી નહોતી પરંતુ સુરક્ષાના કારણોસર એ સીન દૂર કરવા પડ્યા હતા. રિલીઝ પહેલાં તેમની મંજુરી મેળવવા માટે કાયોઝે આર્મીને સ્ક્રિપ્ટ પણ વંચાવી હતી અને ફિલ્મ પણ બતાવી હતી. અંતે સુરક્ષાના કારણોસર તેનો રોલ કાપી નાખવો પડ્યો હતો. કાયોઝે કહ્યું કે તેમનો ઘણો તીવ્ર પ્રતિસાદ હતો, તેઓ અમારી ટીમ સાથે ૩૫થી ૪૦ મિનિટ સુધી બેઠા અને ફિલ્મ કઈ રીતે આગળ વધવી જોઈએ એ સમજાવ્યું. તેમની મુખ્ય ચિંતા એ હતી કે ફિલ્મ વર્દીવાળા જવાનો પ્રત્યે શ્રદ્ધા દાખવતી હોવી જોઈએ.એક ઇન્ટરવ્યૂમાં કાજોલે પણ કહ્યું હતું કે, “આ ફિલ્મ માટે મેં મારા ગોઠણનો વારો કાઢી નાખ્યો હતો કારણ કે કાયોઝનો આગ્રહ હતો કે દરેક સીનમાં મારે ઘૂંટણીયે પડીને રડ્યાં કરવાનું છે કારણ કે એ સ્ક્રિપ્ટમાં લખેલું હતું. હું તેના પર અકળાઈ ગઈ હતી કે, દરેક સીનમાં હું આવું કઈ રીતે કરી શકું, અંતે તો મને થવા લાગ્યું હતું કે આવું તે કેવું પાત્ર છે, જે દર પાંચ મિનિટે ઘૂંટણીયે પડીને રડે છે.”