Bangladesh,તા.16
ભારતીય ફિલ્મ નિર્માતા સત્યજીત રેનું ઘર બાંગ્લાદેશમાં તોડી પાડવામાં આવ્યું છે. સત્યજીત રેનું આ ઘર બાંગ્લાદેશમાં મૈમનસિંહ શહેરમાં આવેલું હતું. આ પહેલા મૈમનસિંહ શિશુ એકેડમી તરીકે જાણીતું હતું. ભારત આ ઇમારતને સાચવવા માંગતું હતું. જે અંગે ભારતે ઇમારતનું રિપેરિંગ અને પુન:નિર્માણ માટે બાંગ્લાદેશને રજૂઆત પણ કરી હતી અને તેને મ્યુઝિયમમાં રુપાંતરિત કરવાની સલાહ પણ આપી હતી. આ ઇમારતને સુરક્ષિત કરવાનું કહેવા છતાં પણ નિર્માતાનું પૈતૃક ઘર પાડી દેવામાં આવ્યું છે.
પ્રખ્યાત સાહિત્યકાર ઉપેન્દ્ર કિશોર રે ચૌધરી, પ્રસિદ્ધ કવિ સુકુમાર રેના પિતા અને ફિલ્મ નિર્માતા સત્યજીત રેના દાદા હતા, જે અહીં આ ઘરમાં રહેતા હતા. આ ઇમારતને હાલમાં તોડી પાડવામાં આવી છે. ભારતે ફિલ્મ નિર્માતા સત્યજીત રેના ઘરનું રિપેરિંગ અને પુનર્નિર્માણમાં સહયોગ આપવાની વાત કરી હતી. 100 વર્ષ જૂની આ ઇમારત પર લાંબા સમયથી ધ્યાન આપવામાં આવ્યું નથી, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ ખૂબ જ દુઃખની વાત છે કે, મૈમનસિંહની તે મિલકત, જે એક સમયે ફિલ્મ નિર્માતા રેના દાદાની હતી.
ભારતે મંગળવારે બાંગ્લાદેશને આ ઇમારત ધ્વસ્ત કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ બાંગ્લાદેશ સરકારને કહ્યું કે, આ ઘર બંગાળી સાંસ્કૃતિક પુનર્જાગરણ સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થળ છે. આ ઇમારતનો જીર્ણોદ્ધાર કરવામાં આવી શકે છે અને તેને સહિયારા વારસાની ઉજવણી કરતાં સાહિત્યિક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરી શકાય છે.આ ઈમારતને બચાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ એક પોસ્ટ કરી હતી. એ પછી હવે જ્યારે ઘર તોડી પાડવામાં આવ્યું છે, ત્યારે આ અંગે ટીએમસી નેતા અભિષેક બેનર્જીનું નિવેદન બહાર આવ્યું છે. અભિષેક બેનર્જીએ કહ્યું, મને એ જાણીને ખૂબ જ દુઃખ થયું છે કે ઢાકામાં ઓસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા સત્યજીત રેનું પૈતૃક ઘર કથિત રીતે બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવી રહ્યું છે. 100 વર્ષ જૂની આ મિલકત રેના દાદા ઉપેન્દ્રકિશોર રે ચૌધરીની હતી, જે બંગાળી સાહિત્ય અને સંસ્કૃતિના દિગ્ગજ હતા. તેમણે વધુમાં કહ્યું કે, ઐતિહાસિક અને સાંસ્કૃતિક નજરે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સ્થળ હતું અને તેને ખંડેરમાં ફેરવવું એ આપણા વારસા માટે આઘાતજનક છે. તે વૈશ્વિક કલામાં રે પરિવારના યોગદાનને નષ્ટ કરવા જેવું છે.TMC નેતાએ કહ્યું, ‘હું બાંગ્લાદેશ સરકારને આગ્રહ કરું છું કે, આ કઠોર નિર્ણય પર પુનર્વિચાર કરે. આ સાંસ્કૃતિક ધરોહરના રક્ષણ અને જાળવણી માટે તાત્કાલિક પગલાં લો. હું ભારત સરકારને પણ વિનંતી કરું છું કે, યોગ્ય દ્વિપક્ષીય સહયોગ શરુ કરીને તાત્કાલિક બંગાળના સાંસ્કૃતિક ઇતિહાસના આ ધરોહરને તોડી પાડવાના કારણે નષ્ટ ન થાય.નોંધનીય છે કે, આ ઘર જર્જરિત હાલતમાં હતું અને લગભગ એક દાયકાથી બિનઉપયોગી પડ્યું હતું. પહેલા તેમાં મૈમનસિંહ શિશુ એકેડેમી હતી, પરંતુ તેને લાવારિશ છોડી દેવામાં આવ્યું. એક બાંગ્લાદેશી અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, નવી યોજનામાં શિશુ એકેડેમીનું સંચાલન ફરીથી શરૂ કરવા માટે એ જગ્યા પર નવી ઈમારતના નિર્માણ કરવાનો પ્રસ્તાવ છે. આ માટે જૂની ઈમારતને ધ્વસ્ત કરવાનો છે.
જણાવી દઈએ કે, સત્યજીત રે ને વિશ્વ સિનેમાના મોટા ફિલ્મકારોમાંથી એક માનવામાં આવે છે. તેઓ ફિલ્મ ડિરેક્ટર હોવાની સાથોસાથ લેખક, સંગીતકાર અને ચિત્રકાર પણ હતા. બાંગ્લાદેશમાં સત્યજીત રેનું પૈતૃક ઘર લગભગ 100 વર્ષ પહેલાં તેમના દાદા ઉપેન્દ્રકિશોર રે એ બનાવ્યું હતું. વર્ષ 1947માં ભારતના ભાગલા બાદ આ સંપત્તિ તત્કાલિન પૂર્વ પાકિસ્તાનના આધિન થઈ ગયું હતું. પૂર્વ પાકિસ્તાન ત્યારે પાકિસ્તાનનો ભાગ હતો. ભારત સાથે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર બાદ પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશના રૂપે નવો દેશ બન્યો.