વૈશ્વિક અનિશ્ચિતતાઓ, ભૌગોલિક-રાજકીય તણાવ, વ્યાજદર સંબંધિત અસ્પષ્ટતા અને વિદેશી ફંડ ફ્લોમાં સતત ઉતાર-ચઢાવ વચ્ચે વર્ષ ૨૦૨૫ ભારતીય શેરબજાર માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું. આ વર્ષ દરમિયાન બજારમાં ભારે વોલેટિલિટી, નબળી માર્કેટ બ્રેડથ અને સેક્ટરલ સ્તરે અસમાન પ્રદર્શન સાથે રોકાણકારોની માનસિકતા પર સ્પષ્ટ અસર પડી.
વર્ષ ૨૦૨૫માં દેશના બે મુખ્ય શેરબજારો બીએસઈ (BSE) અને એનએસઈ (NSE) ના કેશ સેગમેન્ટમાં દૈનિક સરેરાશ ટર્નઓવર માત્ર રૂ. ૧.૦૮ લાખ કરોડ રહ્યો, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી નીચી સપાટી હતી. વર્ષ ૨૦૨૪માં નોંધાયેલા રૂ. ૧.૨૮ લાખ કરોડની સરખામણીએ આ ટર્નઓવરમાં અંદાજે ૧૫.૭૫ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો. મહત્વની બાબત એ છે કે વર્ષ ૨૦૨૨ બાદ આ સૌથી ઓછું સરેરાશ દૈનિક ટર્નઓવર રહ્યું, જે રોકાણકારોની સાવચેતી અને વિદેશી સંસ્થાઓની બજારમાં ઘટતી ભાગીદા
કેશ સેગમેન્ટની જેમ જ ડેરિવેટિવ્સ માર્કેટમાં પણ નબળાઈ સ્પષ્ટ રીતે જોવા મળી. બીએસઈ અને એનએસઈનું સંયુક્ત સરેરાશ દૈનિક ડેરિવેટિવ્સ વોલ્યુમ વર્ષ ૨૦૧૩ બાદ પ્રથમ વખત ઘટ્યું. વર્ષ ૨૦૨૪માં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ સેગમેન્ટનું સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. ૪૬૫.૯૬ લાખ કરોડ હતું, જે ઘટીને વર્ષ ૨૦૨૫માં રૂ. ૩૮૭.૯૫ લાખ કરોડ સુધી આવી ગયું, આશરે ૧૭.૭૦ ટકાનો ઘટાડો નોંધાયો, આ ઘટાડો સ્પષ્ટ રીતે બતાવે છે કે ટ્રેડિંગ પ્રવૃત્તિમાં સટ્ટાકીય ઉત્સાહ ઘટ્યો અને રોકાણકારોએ જોખમ લેતા પહેલા વધુ વિચારવાનું શરૂ કર્યું.
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય અશાંતિ, વિકસિત દેશોમાં મંદીની ચિંતા, ક્રૂડ ઓઈલ અને કોમોડિટી ભાવોમાં અસ્થિરતા તેમજ સ્થાનિક બજારમાંથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની (FPI) મોટા પ્રમાણમાં વેચવાલીને કારણે સમગ્ર વર્ષ દરમિયાન રોકાણકારોનું માનસ દબાણ હેઠળ રહ્યું. તેમ છતાં, આ તમામ પડકારો વચ્ચે ભારતીય બજારે પોતાની આંતરિક મજબૂતી દર્શાવી છે.
વર્ષ ૨૦૨૫ દરમિયાન બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંને સૂચકાંકોએ આશરે ૯થી ૧૦ ટકાનું વળતર આપ્યું. જો કે, આ વૃદ્ધિ મુખ્યત્વે લાર્જકૅપ શેરો સુધી મર્યાદિત રહી. તેની સામે મિડકૅપ અને સ્મોલકૅપ શેરોમાં વળતર તુલનાત્મક રીતે નબળું રહ્યું, ખાસ કરીને વર્ષના બીજા તબક્કામાં ઊંચા વેલ્યુએશન અને નફા વસૂલીને કારણે આ સેગમેન્ટમાં દબાણ વધ્યું.
પ્રાઇમરી માર્કેટની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૫ આઈપીઓ માર્કેટ માટે ખાસ નોંધપાત્ર રહ્યું. વધુ વળતર મેળવવાની આશાએ રિટેલ રોકાણકારો મોટી સંખ્યામાં નવી ઈશ્યુઝ તરફ વળ્યા, જેના પરિણામે સેકન્ડરી માર્કેટમાં અને મિડકેપ, સ્મોલકેપ શેરોની લેવડદેવડ પર અમુક અંશે અસર જોવા મળી. આ વર્ષે રેકોર્ડ બ્રેક સંખ્યામાં કંપનીઓએ શેરબજારમાં પ્રવેશ કર્યો અને મોટા પાયે મૂડી ઉઘરી, જેના કારણે પ્રાઇમરી માર્કેટમાં ઉત્સાહનો માહોલ રહ્યો. જોકે, તમામ આઈપીઓમાં સમાન લિસ્ટિંગ ગેઇન ન મળતાં રોકાણકારોને પસંદગીપૂર્વક અને સાવચેતીપૂર્વક રોકાણ કરવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની.
વર્ષ ૨૦૨૫માં ડીમેટ ખાતાઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો, જે દર્શાવે છે કે ટૂંકાગાળાની વોલેટિલિટી હોવા છતાં ભારતીય રોકાણકારોનો લાંબા ગાળાના રોકાણ પ્રત્યેનો વિશ્વાસ યથાવત્ રહ્યો છે. આ ટ્રેન્ડ ભવિષ્ય માટે બજારની મજબૂત પાયાની તરફ ઈશારો કરે છે.
સેક્ટરલ દૃષ્ટિએ જોવામાં આવે તો, બેંકિંગ, ફાઇનાન્સ અને પીએસયુ બેંકોનું પ્રદર્શન તુલનાત્મક રીતે સારું રહ્યું. મજબૂત બેલેન્સશીટ, સુધરતા એસેટ ક્વોલિટી અને ક્રેડિટ ગ્રોથની અપેક્ષાઓએ આ સેક્ટરને ટેકો આપ્યો. તેની સામે, વૈશ્વિક મંદી, ક્લાયન્ટ ખર્ચમાં ઘટાડો અને ડોલર આધારિત આવક પર દબાણને કારણે આઈટી અને ટેકનોલોજી સેક્ટર વર્ષ દરમિયાન પાછળ રહ્યું.
મેટલ અને કેપિટલ ગુડ્સ સેક્ટરમાં સમયાંતરે તેજી જોવા મળી, ખાસ કરીને સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, કેપેક્સ પર ભાર અને વૈશ્વિક કોમોડિટી ભાવોના પ્રભાવના કારણે. તેમ છતાં, આ સેક્ટરોમાં પણ વોલેટિલિટી યથાવત્ રહી.
સમગ્ર રીતે જોવામાં આવે તો, બજારે નવા રેકોર્ડ હાઇ લેવલ્સ સ્પર્શ્યા, પરંતુ સતત ઉતાર-ચઢાવ, વૈશ્વિક પરિબળો અને વિદેશી ફંડ ફ્લોની અનિશ્ચિતતાએ રોકાણકારોમાં સાવચેતીનો માહોલ જાળવી રાખ્યો. વર્ષના અંતે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી ૫૦ બંને સૂચકાંકોએ આશરે ૯-૧૦ ટકાની વૃદ્ધિ સાથે બંધ થવું લાંબા ગાળાની દૃષ્ટિએ બજારની આંતરિક મજબૂતી દર્શાવે છે.
👉🏼 વર્ષ ૨૦૨૬ માં ભારતીય શેરબજાર “સ્થિર પરંતુ પડકારજનક” સાબિત થશે..!!!
આગામી વર્ષ ૨૦૨૬ ની દૃષ્ટિએ, મજબૂત આર્થિક વિકાસ, સ્થાનિક સંસ્થાગત અને રિટેલ રોકાણકારોની સક્રિય ભાગીદારી તથા દેશની વૃદ્ધિ ક્ષમતા ભારતીય શેરબજાર માટે સકારાત્મક પરિબળો રહેશે. જો કે, વૈશ્વિક અર્થતંત્રની દિશા, વ્યાજદરની નીતિ, જીઓ-પોલિટિકલ પરિસ્થિતિ અને વિદેશી રોકાણકારોના ફંડ ફ્લો પર નજીકથી નજર રાખવી રોકાણકારો માટે અનિવાર્ય રહેશે.
વર્ષ ૨૦૨૬માં ભારતીય શેરબજારનો દૃષ્ટિકોણ સામાન્ય રીતે સકારાત્મક, પરંતુ સાવધ અને સ્થિર દેખાવાની શક્યતા છે. વૈશ્વિક અર્થતંત્રમાં ચાલી રહેલી અનિશ્ચિતતા, ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ, વ્યાજદર સંબંધિત નિર્ણયો અને વૈશ્વિક ફંડ ફ્લોની દિશા બજાર પર અસર કરતી રહેશે. તેમ છતાં, ભારતની મજબૂત આર્થિક પાયાની સ્થિતિ, સ્થાનિક રોકાણકારોની સક્રિય ભાગીદારી અને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ બજાર માટે આધારરૂપ બની રહેશે.
બજાર નિષ્ણાતોના મતે, વર્ષ ૨૦૨૬ના પ્રથમ અર્ધમાં ભારતીય શેરબજાર વૈશ્વિક અડચણરૂપ પરિસ્થિતિઓ અને અનિશ્ચિતતા સામે થોડું સંયમિત અથવા રેન્જ-બાઉન્ડ ગતિમાં રહી શકે છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારો વૈશ્વિક આર્થિક આંકડા, વિકસિત દેશોની મોનિટરી પોલિસી અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ પર વધુ ધ્યાન આપતા જોવા મળશે. જોકે, વર્ષના મધ્યભાગથી અને ખાસ કરીને છેલ્લા અર્ધમાં સારા કોર્પોરેટ આવકનાં પરિણામો, મજબૂત ડોમેસ્ટિક માથા અને નીતિગત સમર્થનને કારણે બજારમાં વર્ષનાં અંતે તેજી જોવા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘણા બજાર નિષ્ણાતોના અનુમાન મુજબ, જો કંપનીઓની કમાણીમાં સુધારો અને આવક વૃદ્ધિની સ્પષ્ટતા જોવા મળે તો એનએસઈ નિફ્ટી અને બીએસઈ સેન્સેક્સ ધીમે ધીમે પોતાના અંદાજિત લક્ષ્યાંકો તરફ આગળ વધી શકે છે. આ ગતિ કદાચ તીવ્ર નહીં હોય, પરંતુ સ્થિર અને આધારભૂત વૃદ્ધિ સાથે આગળ વધે તેવી શક્યતા વધારે છે, જે લાંબા ગાળાના રોકાણકારો માટે આશાસ્પદ ગણાય છે.
વર્ષ ૨૦૨૬ ડોમેસ્ટિક રોકાણકારો માટે તક આધારિત વર્ષ સાબિત થઈ શકે છે. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો (DII), મ્યુચ્યુઅલ ફંડો અને રિટેલ રોકાણકારો બજારને મહત્વપૂર્ણ ટેકો પૂરો પાડતા રહેશે. નિયમિત એસઆઈપી પ્રવાહો, વધતા ડીમેટ ખાતાઓ અને નાણાકીય જાગૃતિના કારણે બજારમાં ડોમેસ્ટિક માથાનો પ્રભાવ વધુ મજબૂત બનવાની સંભાવના છે. બીજી તરફ, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા થયેલી વેચાણ પ્રવૃત્તિ વર્ષ ૨૦૨૫ની તુલનામાં સમાંતર અથવા થોડા ધીમા ગતિમાં રહેવાની શક્યતા છે, જો કે વૈશ્વિક પરિબળોને કારણે સમયાંતરે ઉતાર-ચઢાવ રહી શકે છે.
નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક અર્થતંત્રની દિશા, અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં વ્યાજદર સંબંધિત નિર્ણયો, તેમજ કાચા માલ અને ઊર્જા ભાવોની સ્થિતિ ભારતના બજાર પર સીધી અસર કરશે. આ તમામ પરિબળો વચ્ચે ભારતીય બજાર ધીમી પરંતુ સ્થિર વૃદ્ધિના અવકાશો પૂરા પાડે તેવી શક્યતા છે, જેમાં રોકાણકારોને પસંદગીપૂર્વક અને લાંબા ગાળાની દૃષ્ટિ અપનાવવાની જરૂર રહેશે.
સેક્ટરલ દૃષ્ટિએ જોવામાં આવે તો, વર્ષ ૨૦૨૬માં બેંકિંગ, ફાઇનાન્સ અને પીએસયુ બેંકોમાં સ્થિર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે, ખાસ કરીને ક્રેડિટ ગ્રોથ, એસેટ ક્વોલિટી અને મજબૂત બેલેન્સશીટના આધારે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ અને ડિફેન્સ સેક્ટર સરકારના ખર્ચ અને નીતિ સમર્થનથી લાભ લઈ શકે છે. આ સાથે, કન્ઝમ્પ્શન આધારિત સેક્ટરોમાં પણ ધીમે ધીમે સુધારો જોવા મળવાની શક્યતા છે.
આઈટી અને ટેકનોલોજી સેક્ટર માટે વર્ષ ૨૦૨૬ મિશ્ર રહેવાની શક્યતા છે. વૈશ્વિક મંદીની આશંકા અને ક્લાયન્ટ ખર્ચ પર દબાણ ટૂંકા ગાળામાં પડકારરૂપ રહી શકે છે, પરંતુ લાંબા ગાળાની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેક અપગ્રેડેશનની માંગ આ સેક્ટરને ટેકો પૂરો પાડી શકે છે.
પ્રાઇમરી માર્કેટની દૃષ્ટિએ, વર્ષ ૨૦૨૬માં પણ આઈપીઓ એક્ટિવિટી યથાવત્ રહેવાની સંભાવના છે. મજબૂત બિઝનેસ મોડલ ધરાવતી કંપનીઓ બજારમાં પ્રવેશ કરશે, જે રોકાણકારોને નવી તકો પૂરી પાડશે. જોકે, ૨૦૨૫ના અનુભવને ધ્યાનમાં રાખીને રોકાણકારો વધુ પસંદગીપૂર્વક અને સાવચેતીપૂર્વક આઈપીઓમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
સમગ્ર રીતે જોવામાં આવે તો, વર્ષ ૨૦૨૬ ભારતીય શેરબજાર માટે વૃદ્ધિ કેન્દ્રિત પરંતુ સાવધાનીનાં અભિગમનું વર્ષ બની શકે છે. રાજકીય સ્થિરતા, મજબૂત વાર્ષિક નફો, ડોમેસ્ટિક ફંડમાં સતત વધારો અને નીતિગત સમર્થન બજારને આગળ ધપાવનારા મુખ્ય પરિબળો રહેશે. તે સાથે જ, વૈશ્વિક જોખમો, ભૌગોલિક-રાજકીય તણાવ અને વિદેશી ફંડ ફ્લોની અનિશ્ચિતતા માટે રોકાણકારોને હળવી ચેતવણી અને સાવચેતી રાખવી અનિવાર્ય રહેશે. લાંબા ગાળાની દૃષ્ટિ, ગુણવત્તાવાળી કંપનીઓની પસંદગી અને ધીરજભર્યો અભિગમ વર્ષ ૨૦૨૬માં સફળ રોકાણ માટે મુખ્ય ચાવી સાબિત થઈ શકે છે.
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!

