રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફરી વિશ્વ પર ટેરિફ આતંકે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી મંદી સર્જાવાનું જોખમ ઊભું થતાં અને અમેરિકા વિરૂધ્ધ વિશ્વના અનેક દેશો વેપાર યુદ્વનો નવો દોર શરૂ થવાના એંધાણે ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ભારત પર રશિયાનું ક્રુડ ખરીદવા બદલ પેનલ્ટી સહિતના પગલાં લઈને દબાણ વધારી રહ્યા હોવા સાથે ૧ ઓગસ્ટના રોજ ભારત પર ૨૫% ટેરિફ લાદ્યા બાદ ગત સપ્તાહે વધુ ૨૫% ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરતા ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
ટ્રમ્પની ધમકી વચ્ચે ભારતે રશિયા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા અને ટ્રેડ ડીલમાં અમેરિકા સામે ન ઝુકવાના સંકેત આપ્યા હોવા છતાં, અમેરિકા – ભારત વચ્ચે વધારાના વાટાઘાટોની ‘જો-અને-તો’ સ્થિતિને કારણે ફંડો અને રોકાણકારોએ નવી તેજીની પોઝિશન લેવાને બદલે હળવા થવાનું પસંદ કર્યું હતું.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ગુડ્સ પરના ટેરિફને બમણા કરીને ૫૦% સુધી વધારી દીધા હોવાથી ગત સપ્તાહે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો થયો હતો, જયારે રશિયાનું ક્રુડઓઈલ ખરીદનારા દેશોના માલસામાન પર ટેરિફ વધારવાની ડોનાલ્ડ ટ્રમ્પની ચીમકી બાદ રશિયા ખાતેથી ક્રુડ ઓઈલનો પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ક્રુડઓઈલના ભાવ સુધારા તરફી રહ્યા હતા.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે કડક વલણ અપનાવતા સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી ટેરિફનો મુદ્દો ઉકેલાઈ નહીં ત્યાં સુધી કોઈ વેપાર ચર્ચા નહીં થાય. તેમનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકાની વેપાર વાટાઘાટોની ટીમ ટૂંક સમયમાં ભારત આવવાની છે. આ સ્પષ્ટ સંકેત છે કે અમેરિકા ભારત પર દરેક રીતે દબાણ વધારવા માંગે છે, જેથી ભારત અમેરિકાની શરતો સ્વીકારી લે.
ટ્રમ્પ ઇચ્છે છે કે ભારત અમેરિકાના કૃષિ અને ડેરી ઉત્પાદનો પર લાગતા ઊંચા ટેરિફ ઘટાડે, જેથી આ ઉત્પાદનો ભારતના વિશાળ બજારમાં પ્રવેશ મેળવી શકે. પરંતુ ભારત આ ક્ષેત્રોને વ્યૂહાત્મક રીતે સંરક્ષિત રાખવા માગે છે, કારણ કે આ ક્ષેત્ર ખોલવાથી ખેડૂતોની આવક પર સીધી અસર પડશે. અમેરિકાની માંગ છે કે કૃષિ અને ડેરી ઉત્પાદનો પર ૧૦૦% સુધી ટેરિફ ઘટાડો કરવામાં આવે. સાથે જ અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયાથી ક્રુડઓઈલ આયાત ઘટાડે અને તેના બદલે અમેરિકાથી વધુ ક્રુડઓઈલ ખરીદે, જ્યારે હાલમાં ભારતને રશિયાથી સસ્તું ક્રુડઓઈલ મળી રહ્યું છે.
ટ્રમ્પનો કડક અભિગમ માત્ર વેપાર સુધી મર્યાદિત નથી. વિશ્વભરમાં યુએસ ડોલર પરની નિર્ભરતા ઘટતી જવાની પ્રવૃત્તિ પણ તેમની ચિંતાનું કારણ છે. ૧૯૪૪થી યુએસ ડોલર વૈશ્વિક વેપાર માટે મુખ્ય ચલણ રહ્યું છે અને અંદાજે ૯૦% આંતરરાષ્ટ્રીય લેવડ-દેવડ ડોલરમાં થાય છે. પરંતુ બ્રિક્સ દેશો ડોલર પરની નિર્ભરતા ઘટાડવા પગલાં લઈ રહ્યા છે. બ્રિક્સ દેશો મળીને વિશ્વ અર્થતંત્રમાં ૩૫% યોગદાન આપે છે. જો આ દેશો ડોલરનો વિરોધ કરશે, તો અમેરિકા તેની મહાસત્તા તરીકેની પદવી અને ડોલરની વૈશ્વિક ચલણ તરીકેની સ્થિતિ ગુમાવી શકે છે – જે ટ્રમ્પ માટે મોટું રાજકીય અને આર્થિક પડકારરૂપ સાબિત થઈ શકે છે.
મિત્રો, કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં સ્થાનિક
તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૬,૫૯૧.૮૦ કરોડની ખરીદી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૪,૮૫૩.૧૯ કરોડની ખરીદી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૩૭,૫૮૫.૬૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૮,૨૨૮.૪૫ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૭,૬૪૨.૩૪ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૨,૬૭૩.૯૧ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૬૦,૯૩૯.૧૬ કરોડની ખરીદી તેમજ ૦૭ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૨૯,૦૭૧.૮૬ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં જાન્યુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૮૭,૩૭૪.૬૬ કરોડની વેચવાલી, ફેબ્રુઆરી ૨૦૨૫માં અંદાજીત રૂ.૫૮,૯૮૮.૦૮ કરોડની વેચવાલી, માર્ચ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૦૧૪.૧૮ કરોડની ખરીદી, એપ્રિલ ૨૦૨૫માં અંદાજીત રૂ.૨૭૩૫.૦૨ કરોડની ખરીદી, મે ૨૦૨૫માં અંદાજીત રૂ.૧૧,૭૭૩.૨૫ કરોડની ખરીદી, જુન ૨૦૨૫માં અંદાજીત રૂ.૭૪૮૮.૯૮ કરોડની ખરીદી, જુલાઈ ૨૦૨૫માં અંદાજીત રૂ.૪૭,૬૬૬.૬૮ કરોડની વેચવાલી તેમજ ૦૭ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં અંદાજીત રૂ.૧૫,૯૫૧.૬૮ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫% ટેરિફ લગાવવાની જાહેરાત બાદ દેશના વિવિધ નિકાસલક્ષી ક્ષેત્રોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગારમેન્ટ્સ, ઓટો કમ્પોનેન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ઉદ્યોગો અમેરિકામાં વિશાળ નિકાસ બજાર ધરાવે છે અને નવા ટેરિફના કારણે આ ક્ષેત્રો પર સીધી અસર થવાની શક્યતા છે. માઇક્રો અને મીડિયમ એપરલ ઉદ્યોગ માટે આગામી દિવસોમાં આટલો ઊંચો ટેરિફ અસહ્ય સાબિત થશે. ખાસ કરીને અમેરિકી બજાર પર નિર્ભર નિકાસકારોને મોટો ફટકો પડશે, સિવાય કે સરકાર તાત્કાલિક નાણાંકીય પ્રોત્સાહન અને રાજકોષીય ટેકો જાહેર કરે.
વર્ષ ૨૦૨૪માં ભારતમાંથી ગારમેન્ટની કુલ નિકાસમાંથી ૩૩% નિકાસ અમેરિકા ખાતે થઈ હતી, જેને કારણે આ નિર્ણય ઉદ્યોગ માટે મોટો ઝટકો સાબિત થશે. ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગ માટે અમેરિકા મહત્વનું વેપાર ભાગીદાર છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતમાંથી કુલ ૨૨.૯૦ અબજ ડોલરની ઓટો કમ્પોનેન્ટ નિકાસ થઈ, જેમાંથી ૨૭% અમેરિકામાં ગઈ હતી. વધેલા ટેરિફ ટૂંકા ગાળે પડકાર ઉભા કરશે, તેથી સ્પર્ધાત્મકતા વધારવા અને નવી બજારો શોધવા પર ધ્યાન આપવું પડશે.
અમેરિકા દ્વારા ભારત પર વધારાના ૨૫% ટેરિફની જાહેરાત બાદ ભારતીય શેરબજારમાં ટૂંકાગાળે દબાણ જોવા મળવાની શક્યતા છે. નિકાસ આધારિત ક્ષેત્રો જેમ કે આઈટી, ફાર્મા, ટેક્સટાઇલ અને કેટલાક મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટ્સમાં રોકાણકારો સાવચેત વલણ અપનાવી શકે છે. સાથે સાથે વિદેશી રોકાણકારો તરફથી વેચવાલી વધવાની સંભાવના છે, જો કે તેમ છતાં સ્થાનિક રોકાણકારો અને લાંબા ગાળાના ફંડામેન્ટલ્સ મજબૂત હોવાને કારણે મોટો ઘટાડો થવાની સંભાવના ઓછી છે. જો આવનારા દિવસોમાં અમેરિકા-ભારત વચ્ચે વ્યાપાર કરાર થાય અને ટેરિફ મુદ્દે રાહત મળે તો બજારમાં ઝડપથી રિકવરી પણ આવી શકે છે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર… કેમ ખરૂં ને..!!!
ફયુચર રોકાણ
(૧) એસબીઆઈ લાઈફ (૧૮૪૪) : લાઈફ ઈન્સ્યોરન્સ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૦૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૬૩ થી રૂ.૧૮૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૮૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) ઓબેરોય રિયલ્ટી (૧૫૭૫) : A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૫૦૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૯૦ થી રૂ.૧૬૦૬ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) હેવેલ્સ ઇન્ડિયા (૧૪૭૮) : રૂ.૧૪૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૪૩૦ બીજા સપોર્ટથી કન્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૪૯૩ થી રૂ.૧૫૦૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) ઈન્ફોસીસ લિ. (૧૪૨૯) : ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (૧૩૬૭) : રૂ.૧૩૯૩ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) અદાણી પોટ્ર્સ (૧૩૨૫) : પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૦ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧)જ્યુપિટર વેગન્સ (૩૩૪) : A /T+1 ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૩૦૩ ના સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૪૭ થી રૂ.૩૫૩ નો ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
(૨) એનટીપીસી લિ. (૩૩૧) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૩૧૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૩૪૩ થી રૂ.૩૫૦ નો ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (૩૧૦) : રૂ.૨૯૪ નો પ્રથમ તેમજ રૂ.૨૮૦ ના બીજા સપોર્ટથી ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૪) મહિન્દ્રા લોજિસ્ટિક્સ (૩૧૨) : લોજિસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૩૪ થી રૂ.૩૪૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો….!!
(૫) પાવર ગ્રીડ કોર્પોરેશન (૨૮૪) : રૂ.૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૨૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી પાવર – ટ્રાન્સમિશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૯૭ થી રૂ.૩૦૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!
(૬) હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ (૨૦૯) : સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૮૮ આસપાસના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
(૭) ગુજરાત પીપાવાવ પોર્ટ (૧૫૪) : આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી ટૂંકા ગાળે અંદાજીત રૂ.૧૬૩ થી રૂ.૧૭૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!
(૮) રાષ્ટ્રિય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ (૧૪૬) : ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્ટિલાઈઝર્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૩ આસપાસ રોકાણકારે રૂ.૧૫૪ થી રૂ.૧૬૦ ના ભાવ સપાટીની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૨૭ સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) એસજેવીએન લિ. (૯૨) : પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૩ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૬ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(૨) નેશનલ ફર્ટિલાઈઝર્સ (૯૩) : ડિલેવરીબેઇઝ રોકાણકારે ફર્ટિલાઈઝર્સ સેક્ટરનાં આ સ્ટોકને ૮૪ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૭ થી રૂ.૧૦૩ સુધીની ભાવ સપાટી નોંધાવશે…!!!
(૩) એનએચપીસી લિ. (૮૨) : ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૬ નો પ્રથમ તેમજ રૂ.૭૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી પાવર જનરેશન સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે ૮૬ થી રૂ.૯૦ સુધીના ભાવ સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!
(૪) ગેટવે ડિસ્ટ્રીપાર્ક (૬૫) : રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૯ થી રૂ.૭૩ ની ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે….!!
આર્થિક વિકાસને ટેકો આપવા આરબીઆઈ દ્વારા પગલાં લેવાશે…!!
વૈશ્વિક વેપાર મોરચે પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નરે દેશના આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દરેક પ્રયાસો કરી રહી હોવાનું જણાવ્યું હતું. હાલની સ્થિતિમાં જે કંઈપણ આવશ્યક છે તે કરવાનું અમે ચાલુ રાખીશું.વેપાર વાટાઘાટ હજુપણ ચાલી રહી છે.
સુમેળભર્યો ઉકેલ આવશે તેવી અમને આશા છે, એમ નાણાં નીતિની સમીક્ષા બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું.
આર્થિક વિકાસને ટેકો આપવા રિઝર્વ બેન્ક દ્વારા માત્ર નાણાં નીતિ અથવા લિક્વિડિટી તરફી જ નહીં પરંતુ તર્કબદ્ધ નિયમનના પણ પગલાં લેવાયા છે. દેશના જીડીપી અંદાજમાં ફેરબદલ કરવા માટે પૂરતા ડેટા ઉપલબ્ધ નહીં હોવાનું ગવર્નરે જણાવ્યું હતું. ફુગાવાને જ્યાં સુધી સંબંધ છે ત્યાંસુધી ભારત બહારી પરિબળો પર ઓછો આધાર રાખે છે. ટેરિફની કોઈપણ અસર થશે તો તે વિકાસ અને માંગ પર જોવા મળશે. જ્યાંસુધી રિટાલિએટરી ટેરિફ નહીં હોય ત્યાંસુધી ફુગાવા પર કોઈ ગંભીર અસર જોવા નહીં મળે અને રિટાલિએટરી ટેરિફની શકયતા નથી. ભારતે યુકે,યુએઈ તથા ઓસ્ટ્રેલિયા સાથે વેપાર કરાર પૂર્ણ કર્યા છે અને અમેરિકા,યુરોપ,ઓમાન તથા ન્યુઝીલેન્ડ સાથે વાટાઘાટ થઈ રહી છે. ભારત પાસે ફોરેકસ રિઝર્વનું સ્તર સાનુકૂળ છે અને ૧૧ મહિનાનું આયાત બિલ ચૂકવી શકાય એટલું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. લોન સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે દેશની બેન્કિંગ વ્યવસ્થામાં એનપીએની સ્થિતિ સંતોષકારક છે. ગ્રોસ એનપીએનું સ્તર ૨.૨૦% અને નેટ એનપીએ ૦.૫૦થી ૦.૬૦% આસપાસ છે.
ટેરિફને કારણે નિકાસલક્ષી MSMEની લોન નબળી પડવાની શકયતા…!!
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણયને કારણે દેશમાંથી નિકાસ પર અસર પડવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે ત્યારે બેન્કો નિકાસલક્ષી એવા માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટર-પ્રાઈઝિસ (એમએસ એમઈ)ને ધિરાણ પૂરા પાડવામાં સાવચેતી ધરાવશે એમ બેન્કિંગ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે. આ અગાઉ પૂરી પડાયેલી લોન દબાણ હેઠળ આવી જવાની બેન્કોમાં ચિંતા ઊભી થઈ છે. ૨૫ ટકા ટેરિફને કારણે નિકાસલક્ષી એવા એમએસએમઈની લોન્સ નબળી પડવાની શકયતા વધી ગઈ છે. એમએસએમઈની એસેટ કવોલિટી અત્યારસુધી સ્થિર છે,પરંતુ આવનારા દિવસોમાં નિકાસ બજારમાં તેમની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે,જે તેમની એસેટ કવોલિટી પર અસર કરશે. ગયા નાણાં વર્ષમાં બેન્ક ધિરાણમાં એકંદર ઘટાડો થયો હતો પરંતુ એમએસએમઈને ધિરાણમાં ૧૪.૧૦ ટકા વૃદ્ધિ જોવા મળી હતી જે રિટેલ તથા સેવા ક્ષેત્રમાં થયેલી વૃદ્ધિ કરતા વધુ હતી. દેશમાં કાર્યરત એમએસએમઈમાંથી ૪૮થી ૫૦ ટકા એમએસએમઈ નિકાસલક્ષી છે. આવી સ્થિતિમાં ધિરાણદાર બેન્કો નિકાસલક્ષી કરતા ઘરઆંગણે જેમનું વેચાણ વધારે છે તેવા એમએસએમઈને ધિરાણ પૂરુ પાડવાનું વધુ પસંદ કરશે એમ બેન્કરે વધુમાં જણાવ્યું હતું. ૨૫ ટકા ટેરિફને કારણે ભારતના ટેકસટાઈલ,જેમ્સ એન્ડ જ્વેલરી, ફૂટવેર તથા એન્જિનિયરિંગ નિકાસ પર અસર પડવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. દેશના આર્થિક વિકાસ દર તથા રોજગાર પૂરા પાડવામાં એમએસએમઈની મહત્વની ભૂમિકા રહે છે. દેશની મોટાભાગની બેન્કોએ એમએસએમઈ ક્ષેત્રને જંગી લોન્સ પૂરી પાડી છે. ખાસ કરીને કોરોનાના કાળ બાદ એમએસ-એમઈને ટેકો પૂરો પાડવા ખાસ ધિરાણ યોજના પણ જાહેર કરવામાં આવી હતી. ઊંચા ટેરિફને કારણે જે એમએસએમઈ પોતાની પરના બોજને પસાર કરી નહીં શકે તેમના માર્જિન પર દબાણ આવી શકે છે આવી સ્થિતિમાં તેમના દ્વારા પેમેન્ટમાં ઢીલ પડવાની શકયતા રહેલી છે, એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. નાણાં વર્ષ ૨૦૨૦માં એમએસએમઈની કુલ લોનમાં ૧૧.૦૩ ટકા લોન નોન પરફોર્મિંગ એસેેટસ બની ગઈ હતી.
પરિસ્થિતિ વધુ જટિલ બનતા અમેરિકન ખરીદદારો તરફથી ૬૦% ઓર્ડર રદ થવાની શક્યતા…!!
ઘણા અમેરિકન ખરીદદારોએ હાલ માટે ઓર્ડર રદ કરવા અથવા આયાત બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશને (ફીયો) જણાવ્યું હતું કે ઉદ્યોગો હજુ પણ યુએસ એક્ઝિક્યુટિવ ઓર્ડરની રાહ જોઈ રહ્યો છે, જેથી સ્પષ્ટ થઈ શકે કે કયા સ્વરૂપમાં અને કેટલા ટેરિફ અને દંડ લાદવામાં આવશે. તેમણે કહ્યું નિકાસકારોને ઘણા અમેરિકન ખરીદદારો તરફથી ઓર્ડર રદ કરવાના ઇમેઇલ મળવા લાગ્યા છે. પરિસિ્થતિ ખરેખર ચિંતાનો વિષય છે. ૧ ઓગસ્ટથી ભારતમાંથી આવતા તમામ માલ પર ૨૫% આયાત ડયુટી (ટેરિફ) લાદવાની અમેરિકાની જાહેરાતથી ભારતીય નિકાસકારોમાં ઊંડી ચિંતા ફેલાઈ ગઈ છે. આ સાથે, રશિયન ક્રૂડ ઓઇલ અને લશ્કરી સાધનોની ખરીદી પર સંભવિત ‘દંડ’ની અનિશ્ચિતતાએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે.
પ્લાસ્ટિક ઉત્પાદનોના નિકાસ કારોએ જણાવ્યું હતું કે વિયેતનામ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ઓછી આયાત ડયુટી છે, જે ભારતની સ્પર્ધાત્મક સ્થિતિને નબળી બનાવી રહી છે. જો ૨૫% ટેરિફ ઉપરાંત દંડ પણ લાદવામાં આવે છે, તો અમેરિકન ખરીદદારો ભારતમાંથી માલ ખરીદવાનું બંધ કરી દેશે.ચામડા અને ફૂટવેરના નિકાસકારે જણાવ્યું હતું કે,જો આ ડયુટી લાગુ કરવામાં આવે છે, તો લગભગ ૬૦% ઓર્ડર રદ થઈ શકે છે. અમેરિકન ખરીદદારો પરિસ્થિતિ સ્પષ્ટ થવાની રાહ જોઈ રહ્યા છે, જેના કારણે બજારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે.જો કે વેપારી અને નિકાસકાર સમુદાયને આશા છે કે ભારત અને યુએસ ટૂંક સમયમાં એક વચગાળાનો વેપાર કરાર કરશે, જે ૨૫% ટેરિફ અને દંડ દૂર કરશે. આ કરાર બંને દેશો માટે વેપાર સ્થિરતા લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ભારતની યુએસથી કુલ ૪૫ બિલિયન ડોલરની આયાતમાંથી, લગભગ ૨૦ બિલિયન ડોલરનો વેપાર પેટ્રોલિયમ, કોલસો, હીરા,સોનું અને ભંગાર જેવા પસંદગીના ઉત્પાદનોમાં કેન્દ્રિત છે.૧ ઓગસ્ટથી અમલમાં આવનારા ટેરિફની સીધી અસર લાખો નાના અને મોટા નિકાસકારોકારીગરો અને એમએસએમઈ એકમો પર પડશે. જો ટૂંક સમયમાં રાજદ્વારી ઉકેલ નહીં મળે, તો ભારતનો વેપાર સરપ્લસ અને વૈશ્વિક સ્પર્ધામાં સ્થાન જોખમમાં મુકાઈ શકે છે.
જુલાઈ માસમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વૃદ્ધિના કારણે સર્વિસ PMI ૧૧ માસની ટોચ પર…!!
ભારતની સેવા ક્ષેત્રની કંપનીઓને કેનેડા, યુએઈ, યુરોપ,અમેરિકા તથા એશિયામાંથી ઓર્ડરોમાં વધારો થતા જુલાઈ માસમાં દેશની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂતાઈ જોવા મળી હતી. સેવા માટે મજબૂત એડવર્ટાઈઝ, નવા કલાયન્ટસનો ઉમેરો તથા જોરદાર માંગને કારણે પીએમઆઈમાં વધારો જોવા મળ્યો છે.જૂનમાં ૬૦.૪૦ની સરખામણીએ જુલાઈનો એચએસબીસી ઈન્ડિયા સર્વિસીસ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેકસ (પીએમઆઈ) વધી ૬૦.૫૦ સાથે ૧૧ મહિનાની ટોચે રહ્યો છે.નિકાસ ઓર્ડરોમાં પણ વધારો થયો છે. સેવા ક્ષેત્રમાં વીમા તથા નાણાંકીય વેપારમાં સારી માંગ જોવા મળી હતી જ્યારે રિઅલ એસ્ટેટ તથા અન્ય સેવાઓમાં નવા ઓર્ડર મંદ રહ્યા હતા. મજબૂત ઓર્ડર બુક છતાં, રોજગાર વૃદ્ધિ ૧૫ મહિનાની નીચી સપાટીએ રહી હતી. સર્વેમાં ભાગ લેનારી કંપનીઓમાંથી ૨%થી પણ ઓછી કંપનીઓએ કર્મચારીઓની ભરતી કરી હતી. કાચામાલ તથા સેવા પૂરી પાડવાના દરમાં જૂનની સરખામણીએ ઝડપી વધારો થયો છે. ખાધ્ય પદાર્થ,નૂર દર તથા શ્રમિક પાછળના ખર્ચમાં વધારો થયો છે.આ અગાઉ જાહેર થયેલા ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૧૬ મહિનાની ટોચે રહ્યો હતો. સેવા તથા ઉત્પાદન ક્ષેત્રનો સંયુકત પીએમઆઈ જે જૂનમાં ૬૧.૦ હતો તે જુલાઈમાં વધી ૬૧.૧૦ રહ્યો છે, જે એપ્રિલ, ૨૦૨૪ બાદ સૌથી ઊંચો છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.