Mumbai,તા.૧
ભારતે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામેની અંડર-૧૯ શ્રેણી માટે કેપ્ટન આયુષ મ્હાત્રે, ઉપ-કેપ્ટન વિહાન મલ્હોત્રા અને કરિશ્માઈ ઓપનર વૈભવ સૂર્યવંશી સહિત ઘણા મુખ્ય ખેલાડીઓને ટીમમાં જાળવી રાખ્યા છે. આ ખેલાડીઓ ઇંગ્લેન્ડના સફળ પ્રવાસમાંથી પાછા ફર્યા છે. ભારત ઓસ્ટ્રેલિયાની અંડર-૧૯ ટીમ સામે ત્રણ વનડે અને બે ચાર દિવસીય મેચ રમશે, જેની શરૂઆત ૨૧ સપ્ટેમ્બરે પ્રથમ મર્યાદિત ઓવર મેચથી થશે.
ભારતીય અંડર-૧૯ ટીમનો આ પ્રવાસ ૧૦ ઓક્ટોબરે સમાપ્ત થશે. ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ’જુનિયર પસંદગી સમિતિએ સપ્ટેમ્બરમાં આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતની અંડર-૧૯ ટીમની પસંદગી કરી છે. ભારતની અંડર-૧૯ ટીમ ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ ટીમ સામે ત્રણ વનડે અને બે મલ્ટી-ડે મેચ રમશે.’
ભારતની અંડર-૧૯ ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરી છે જ્યાં તેણે યુવા વનડેમાં યજમાન ટીમને ૩-૨થી હરાવી હતી જ્યારે બે યુવા ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ભારતના ટોચના ક્રમે મુલાકાતી ટીમને વનડે શ્રેણી જીતવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સૂર્યવંશી અને વિહાનની સદીઓના કારણે, ટીમે વોર્સેસ્ટરમાં ચોથી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ૩૬૩ રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને શ્રેણીમાં વિજયી લીડ મેળવી. જુનિયર પસંદગી સમિતિએ પાંચ સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરી છે.
ભારત અંડર-૧૯ અને ઓસ્ટ્રેલિયા અંડર-૧૯ ટીમનું સમયપત્રક
વનડે શ્રેણીઃ ૨૧, ૨૪ અને ૨૬ સપ્ટેમ્બર.
ચાર દિવસીય મેચઃ ૩૦ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર અને ૭ થી ૧૦ ઓક્ટોબર.
ભારત અંડર-૧૯ ટીમઃ આયુષ મ્હાત્રે (કેપ્ટન), વિહાન મલ્હોત્રા, વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ, હરવંશ સિંહ, આરએસ અંબ્રિસ, કનિષ્ક ચૌહાણ, નમન પુષ્પક, હેનિલ પટેલ, ડી દીપેશ, કિશન કુમાર, અનમોલજીત સિંહ, ખિલન પટેલ, ઉદ્ધવ મોહન અને અમન ચૌહાણ. સ્ટેન્ડબાય ખેલાડીઓઃ યુદ્ધજીત ગુહા, લક્ષ્મણ, બીકે કિશોર, અલંકૃત રાપોલ અને અર્ણવ બગ્ગા.