New Delhi, તા.9
ભારતીય ટીમે એશિયા કપ માટે મેચ પહેલા સોમવારે પ્રેક્ટિસ સેશનમાં પરસેવો પાડ્યો હતો. એશિયા કપ મંગળવારથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ ભારતનો પહેલો મુકાબલો બુધવારે યુએઈ સામે છે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે પ્રવેશ કરશે અને તે ટી20 વર્લ્ડ કપ પહેલા કોઈ કસર છોડવા માંગતી નથી. ટી20 વર્લ્ડ કપ આવતા વર્ષે યોજાવાનો છે.
ભારતીય ટીમના પ્રેકિ્ટસ સત્રમાં રસપ્રદ વાત એ હતી કે વિકેટકીપર જીતેશ શર્માએ નેટ પર વધુ સમય સુધી બેટિંગ કરી. શુભમન ગિલની ટી20 ટીમમાં વાપસી બાદ, સંજુ સેમસન માટે પ્લેઇંગ-11માં સ્થાન મેળવવું પડકારજનક બન્યું છે કારણ કે તે ગિલની ગેરહાજરીમાં ઓપનિંગ કરી રહ્યો હતો. ગિલ અભિષેક સાથે ઇનિંગની શરૂઆત કરશે તે લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં, સેમસન મિડલ ઓર્ડરમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે આવી શકે છે, પરંતુ આ સ્થાન માટે તેની સ્પર્ધા જીતેશ સાથે છે.
જીતેશે ICC ક્રિકેટ એકેડેમીમાં પ્રેકિટસ દરમિયાન બેટિંગમાં સમય વિતાવ્યો, ત્યારે સંજુ સેમસન ફિલ્ડિંગ કોચ ટી દિલીપ સાથે એકલા વિકેટકીપિંગનો અભ્યાસ કરનાર પ્રથમ ખેલાડી હતો. સેમસન સંપૂર્ણ એકાગ્રતા સાથે પ્રેકિટસ કરી રહ્યો હતો અને જમણી બાજુએ ફુલ ડાઇવ કરીને કેચ લેવા બદલ તેની પ્રશંસા પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ મુખ્ય કોચ ગૌતમ ગંભીર તેની પાસે આવ્યા અને કેરળના વિકેટકીપર-બેટ્સમેન સાથે ત્રણ મિનિટ સુધી વાત કરી. એવું લાગતું હતું કે તે વિકેટકીપિંગ કરતાં તેની બેટિંગ વિશે વધુ વાત કરી રહ્યો હતો. જો બોડી લેંગ્વેજ પર વિશ્વાસ કરવામાં આવે તો, ક્લબ હાઉસમાંથી બહાર આવ્યા પછી જીતેશ શર્મા આત્મવિશ્વાસપૂર્ણ દેખાતો હતો.
જિતેશે શિવમ દુબે, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા સાથે વારાફરતી બેટિંગનો અભ્યાસ કર્યો. જ્યારે આ ચારેય બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે સેમસન બેટિંગ ગિયર પહેરીને મેદાન પર પહોંચ્યો પરંતુ થોડા સમય પછી ડ્રેસિંગ રૂમ ક્લબ હાઉસ પાસે એક ખૂણામાં એક ઝાડ પાછળ બેસી ગયો.
વાઇસ-કેપ્ટન શુભમન ગિલ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્માએ બે-ત્રણ વખત બેટિંગનો અભ્યાસ કર્યો, પરંતુ સેમસનને એક પણ વાર બોલાવવામાં આવ્યો નહીં. બાદમાં તે નેટ પર આવ્યો પરંતુ બેટિંગ ન કરી. છેવટે જ્યારે બધા પ્રેકિટસ પૂરી કરી રહ્યા હતા, ત્યારે સેમસન નેટ પર પહોંચ્યો અને નેટ બોલરે તેને બોલિંગ કરી.