Mumbai,તા.18
ભારતીય ક્રિકેટર કિરણ નવગિરેએ મહિલા ટી20 ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી ઝડપી બેટર બનીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. મહારાષ્ટ્ર તરફથી રમતા કિરણે પંજાબ સામેની સિનિયર મહિલા ટી20 ટ્રોફી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. નાગપુરના વીસીએ સ્ટેડિયમ (સિવિલ લાઇન્સ) ખાતે રમાયેલી આ મેચમાં તેણે માત્ર 34 બોલમાં જ સદી ફટકારીને ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈનનો ત્રણ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
જમણા હાથની બેટર કિરણ નવગિરેએ આ ઇનિંગ્સમાં 35 બોલમાં અણનમ 106 રન બનાવ્યા હતા, જેમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 302. 86ના સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી, જે ટી20 ક્રિકેટમાં સદી દરમિયાન 300+નો સ્ટ્રાઈક રેટ ધરાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. અગાઉ સોફી ડિવાઈને જાન્યુઆરી 2021માં 36 બોલમાં સદી ફટકારી હતી.
કિરણની આ વિસ્ફોટક ઇનિંગ્સના કારણે મહારાષ્ટ્રની ટીમે પંજાબે આપેલા 111 રનના લક્ષ્યાંકને માત્ર 8 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 113/1 રન બનાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો. કિરણ અને મુક્તા માગરેએ બીજી વિકેટ માટે અણનમ 103 રનની ભાગીદારી કરી, જેમાં મુક્તા માગરેનો ફાળો માત્ર 6 રનનો હતો. મહિલા ટી20 ક્રિકેટ ઇતિહાસમાં આ સૌથી ઓછો ટીમ સ્કોર છે, જેમાં કોઈ ખેલાડીએ સદી ફટકારી હોય. અગાઉ આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાની એનેરી ડર્કસેનના નામે હતો.
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના મેરે ગામની રહેવાસી 31 વર્ષીય કિરણ નવગિરે પહેલી વાર મે 2022માં મહિલા ટી20 ટ્રોફીમાં નાગાલેન્ડ તરફથી રમતા ચર્ચામાં આવી હતી. તેણે અરુણાચલ પ્રદેશ સામે 76 બોલમાં 162 રન ફટકારીને પોતાની ધમાકેદાર બેટિંગ ક્ષમતાનો પરિચય આપ્યો હતો.