Mumbai,તા.15
ભારતીય મહિલા હોકી ટીમ મહિલા એશિયા કપ 2025ની ફાઇનલમાં પહોંચી છે. જેમાં ભારતે આજે શનિવારે (13 સપ્ટેમ્બર) છેલ્લી સુપર ફોર મેચમાં જાપાન સામે 1-1 ડ્રો રમી હતી. જ્યારે ચીને સુપર ફોર મેચમાં કોરિયાને 1-0થી હરાવ્યું છે. આમ હવે ભારત અને ચીન વચ્ચે આવતીકાલે રવિવારે (14 સપ્ટેમ્બર) ટાઇટલ મેચ હાંગઝોઉમાં રમાશે. કોરિયાને ફાઇનલમાં પહોંચવા માટે બે ગોલના માર્જિનથી જીતની જરૂર હતી, પરંતુ ચીનની જીતથી ભારતની ફાઇનલમાં ટિકિટ નિશ્ચિત થઈ ગઈ. ચીને સુપર ફોર તબક્કામાં ભારતને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન પહેલાથી જ નિશ્ચિત કરી લીધું હતું.
ચીન ત્રણ જીત બાદ નવ પોઇન્ટ સાથે સુપર ફોર ટેબલમાં ટોચ પર છે, જ્યારે ભારત એક જીત, એક ડ્રો અને એક હારથી ચાર પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ફાઇનલ જીતનારી ટીમ આગામી વર્ષે બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે. ભારતે જાપાન સામે શરુઆતની લીડ ગુમાવીને ડ્રો રમી હતી.બ્યુટી ડુંગ ડુંગે સાતમી મિનિટમાં ફિલ્ડ ગોલ કરીને ટીમને લીડ અપાવી હતી. પરંતુ જાપાને વાપસી કરી અને શેહો કોબાયાકાવા (58મી મિનિટ) એ હૂટર શરુ થયાના બે મિનિટ પહેલા બરાબરીનો ગોલ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે આ બીજો ડ્રો હતો. તમને જણાવી દઈએ કે જાપાન સામે જીત ભારતને ચીન સામે સીધા ફાઇનલમાં લઈ જતી હતી. અગાઉ પૂલ સ્ટેજ મેચ પણ 2-2 થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.