New Delhi,તા.19
અમેરિકા તરફથી 50 ટકા ટેરિફ અને ટ્રેડ ડીલને લઈને મૂંઝવણ વચ્ચે ભારત વેપાર માટે વૈવિધ્યસભર અભિગમ અપનાવી રહ્યું છે. ભારતે બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે ભારત અને યુરોપનાં ચાર દેશો વચ્ચે એફટીએ કરાર 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.
યુરોપિયન ફ્રી ટ્રેડ યુનિયન (ઇએફટીએ) માં આઇસલેન્ડ, લેઇચસ્ટેઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ 10 માર્ચે ઇકોનોમિક પાર્ટનરશિપ (ટીપીએ) પર હસ્તાક્ષર કર્યા હતાં.
આ કરાર હેઠળ ભારતને લગભગ 100 બિલિયન યુએસ ડોલરના રોકાણની ખાતરી આપવામાં આવી છે. તે પ્રથમ 10 વર્ષમાં 50 અબજ ડોલરનું રોકાણ કરશે અને બાકીની રકમ આગામી પાંચ વર્ષમાં કરશે. એવું માનવામાં આવે છે કે આ કરારથી ભારતમાં લગભગ 10 લાખ સીધી નોકરીઓનું સર્જન થશે.
આ દરમિયાન, ભારત અને યુરેશિયન ઇકોનોમિક યુનિયન (ઇએઇયુ) વચ્ચે એફટીએ પર નવેમ્બરની શરૂઆતમાં વાતચીત થશે. 15 સપ્ટેમ્બરના રોજ યુરેશિયન ઇકોનોમિક કમિશનના ટ્રેડ ઓફિસર આન્દ્રે સ્લેપનવે વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ સાથે મુલાકાત કરી હતી.
બંને વાતચીત માટેના રોડમેપ પર સહમત થયા હતા. આ પહેલા ભારતીય પક્ષ અને ઇએઇયુના સભ્ય દેશો વચ્ચે ગંભીર ચર્ચા થશે. આ યુનિયનમાં આર્મેનિયા, બેલાસ, કઝાકિસ્તાન, કિર્ગિઝ રિપબ્લિક અને રશિયાનો સમાવેશ થાય છે. ઓગસ્ટમાં, ભારત અને પંચ સંદર્ભની શરતો પર પણ સંમત થયાં હતાં.
ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર સોદા પર વાતચીત પણ તીવ્ર બની રહી છે. બંને પક્ષો વર્ષનાં અંત સુધીમાં તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તાજેતરમાં જ ભારતમાં આવેલાં યુરોપિયન ટ્રેડ કમિશનર મારોસ સેફોકોવિચે કહ્યું હતું કે બંને પક્ષો વર્ષનાં અંત સુધીમાં સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે તમામ પ્રયાસો કરી રહ્યાં છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી સમજૂતી નહીં થાય ત્યાં સુધી અનિશ્ચિતતા યથાવત રહેશે.
ભારત અને યુરોપિયન યુનિયન વર્ષનાં અંત સુધીમાં એફટીએ પૂર્ણ કરશે
વડાપ્રધાન મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને બુધવારે વાટાઘાટોમાં ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર (એફટીએ) ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ દરમિયાન વોન ડેર લેયેને પણ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
મોદીએ યુરોપિયન યુનિયનના નવા વ્યૂહાત્મક એજન્ડાની પ્રશંસા કરી હતી, જેનો હેતુ સુરક્ષા અને વેપાર સહિતનાં અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો છે. તેમણે કહ્યું કે ભારત-યુરોપિયન યુનિયનના સંબંધોને આગલાં સ્તર પર લઈ જવા માટે તૈયાર છે.