New Delhi તા.18
સોના-ચાંદીના ભાવમાં કેટલાક વખતથી ધરખમ તેજી છે.ભારતીય રિઝર્વ બેન્ક છેલ્લા મહિનાઓથી સોનાની સતત ખરીદી કરી જ રહી છે. સાથોસાથ ભાવ વધી રહ્યા હોવાથી ભારતના ગોલ્ડ રિઝર્વનું મૂલ્ય પ્રથમ વખત 100 અબજ ડોલરને આંબી ગયુ છે.
10 મી ઓકટોબરે પુરા થયેલા સપ્તાહના અંતે ભારતના ગોલ્ડ રિઝર્વનું મુલ્ય 3.6 અબજ ડોલર વધીને 102.4 અબજ ડોલર થયુ હતું. જયારે કુલ વિદેશી હુંડીયામણ અનામત 2.2 અબજ ડોલર ઘટીને 697.8 અબજ ડોલરની રહી હતી.
વિદેશી હુંડીયામણ અનામતમાં સોનાનો હિસ્સો વધીને 14.7 ટકા થયો છે.જે 1996-97 પછીના સૌથી ઉંચા સ્તરે છે. છેલ્લા એક દાયકામાં સોનાની સતત ખરીદી તથા ઉંચા ભાવ એમ બેવડી અસરથી અનામત ભંડોળમાં સોનાનો હિસ્સો સાત ટકાથી વધીને ડબલ થઈ ગયો છે.સપ્તાહ દરમ્યાન વિદેશી કરન્સી એસેટસ 5.6 અબજ ડોલર ઘટીને 572.1 અબજ ડોલર રહી ગઈ હતી.
છેલ્લા વર્ષોમાં સોનાની સતત ખરીદી વચ્ચે ચાલુ સાલ ખરીદી ધીમી પડી હતી. નવમાંથી માત્ર ચાર મહિનામાં જ રિઝર્વ બેન્કે સોનુ ખરીદ કર્યું હતું.આગલા વર્ષોમાં લગભગ દર મહિને સોનાની ખરીદી કરી હતી. ચાલૂ સાલ જાન્યુઆરીથી સપ્ટેમ્બરના સમયગાળામાં માત્ર ચાર ટનની ખરીદી કરવામાં આવી હતી.
જે ગત વર્ષનાં આ ગાળામાં 50 ટન હતી. ગોલ્ડ રિઝર્વનાં મુલ્ય વધારા પાછળનું આજ સૌથી મોટુ કારણ છે.ચાલુ વર્ષે સોનાના ભાવમાં 65 ટકાનો વધારો થયો છે. એટલે સ્ટોકનાં સોનાની કિંમત ઘણી વધી ગઈ છે.
દુનિયાભરની સેન્ટ્રલ બેન્કે કરન્સી તથા ડેટના જોખમો સામે હેજીંગ પ્રવૃતિનાં ભાગરૂપે સોનાની ખરીદી કરીને સ્ટોક વધારી રહી છે. 10 ઓકટોબરની સ્થિતિએ સોનાનો સ્ટોક અંદાજીત 880 ટદ રહ્યો છે. રિઝર્વ બેન્કનાં ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે સોનામાં તેજીથી ભારતનું રિઝર્વ મજબુત બન્યુ છે.