Washington,તા.28
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સતાના 24 કલાકમાંજ બંધ કરાવી દઈશ તેવા વિધાનો બાદ વ્હાઈટહાઉસમાં આવ્યાના 8 માસમાં પણ હજુ યુદ્ધને અટકાવી ન શકનાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે તેને માટે ભારતને જવાબદાર ગણાવી રહ્યા છે અને ભારત પર રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવા બદલ 25% વધારાના ટેરીફ લાદી દીધા છે.
હવે આ સંદર્ભમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નવારોએ યુક્રેન-રશિયા યુદ્ધ નહી અટકવા પાછળ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું કે ભારત રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી રશિયાને યુદ્ધ લડવા માટે નાણા પુરા પાડી રહ્યું છે. તેઓએ આ યુદ્ધને મોદીનું યુદ્ધ ગણાવ્યું હતું. તેઓએ કહ્યું કે ભારત ક્રુડતેલ ખરીદી રશિયાની આક્રમકતા વધારી રહ્યું છે.
તેઓએ જણાવ્યું કે, જો ભારત રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદી બંધ કરે તો તેના પરના વધારાના ટેરીફ દુર થઈ શકે છે. તેઓએ દાવો કર્યો કે શાંતિનો માર્ગ દિલ્હીથી જઈ રહ્યો છે. તેમનો ઈશારો ભારતની ક્રુડતેલ ખરીદી પર હતો. જેના નાણાથી રશિયાને યુદ્ધ લડવા માટે ભંડોળ મળી રહે છે. જો કે ભારતની દલીલ છે કે તેને રશિયાએ ડિસ્કાઉન્ટથી ક્રુડતેલ આપે છે જેથી તે દેશમાં મોંઘવારીને કાબુમાં રાખી શકે છે.