Britainતા.1
અહીંના સોથબી ઓકસન હાઉસમાં આ સપ્તાહે થયેલી આર્ટ ઓફ ધી ઈસ્લામિક વર્લ્ડ એન્ડ ઈન્ડીયા હરાજીમાં ભારતના શાહી વારસાએ નવો રેકોર્ડ બનાવી લીધો. બુધવારે થયેલી આ હરાજીમાં કુલ વેચાણ 1 કરોડ પાઉન્ડ (લગભગ 106 કરોડ રૂપિયા)ને પાર પહોંચી ગઈ હતી, જેમાં 18મી સદીના શાસક ટીપુ સુલતાનની પિસ્તોલ અને શેર એ પંજાબ મહારાજા રણજિતસિંહની પેઈન્ટીંગે રેકોર્ડ સર્જયા છે.
ટીપૂ સુલતાન માટે બનાવવામાં આવેલી ચાંદીથી જડેલી ફિલંટલોક પિસ્તોલ હરાજીમાં 11 લાખ પાઉન્ડ (લગભગ 11.6 કરોડ રૂપિયા)માં વેચાઈ, જે અનુમાન કરતા 14 ગણી વધુ કિંમત છે.
માનવામાં આવે છે કે આ પિસ્તોલો 1799માં શ્રીરંગપટ્ટનમની ઘેરાબંધી દરમિયાન ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ હાંસલ કરી હતી. ટીપુ સુલતાનની પિસ્તોલો હંમેશા જોડીમાં બનતી હતી.
રણજીતસિંહના પેન્ટીંગે રેકોર્ડ સર્જયો
શિખ સામ્રાજયના સ્થાપક મહારાજા રણજીતસિંહના દુર્લભ પેન્ટીંગે શિખ આર્ટનો એક નવો રેકોર્ડ સ્થાપ્યો. બિશનસિંહ દ્વારા બનાવાયેલ આ કલાકૃતિ (જેમાં મહારાજા રણજીતસિંહ લાહોરની બજારમાં હાથી પર સવાર થઈને પસાર થાય છે) 9.25 લાખ પાઉન્ડ (લગભગ 10 કરોડ રૂપિયા)માં વેચાઈ. ચિત્રમાં તેમનો દરબારી કાફલો, પુત્ર શેરસિંહ, સલાહકાર ભાઈ રામસિંહ અને રાજા ગુલાબસિંહ પણ જોવા મળે છે. પુષ્ઠભૂમિમાં વ્યાપારી સક્રીયતા નજરે પડે છે.

