Mexico, તા.26
મેકિસકોનાં હિંસાગ્રસ્ત રાજય ગુઆના જુઆટોના શહેર ઈરાયુઆરોમાં મંગળવારે રાત્રે એક ધાર્મિક કાર્યક્રમમાં ગોળીબાર થતા 12 લોકોનાં મોત થયા છે અને 20 જેટલા લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રપતિ કલાઉડીયા શિનબામે આ ઘટના પર દુ:ખ વ્યકત કર્યું છે.
આ અંગેની વિગત મુજબ મેક્સિકોમાં એક કાર્યક્રમ વચ્ચે લોકો ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જ બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબારી કરી દીધાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં 12 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં એક સગીર પણ સામેલ છે.
આ ઘટના મેક્સિકોના હિંસાગ્રસ્ત રાજ્ય ગુઆનજુઆટોમાં બની હતી. આ રાજ્યમાં ગેંગવોરની અનેક ઘટનાઓ જોવા મળે છે. મેક્સિકોમાં સ્ટ્રીટ વાયલન્સનો ડરામણો ઈતિહાસ રહ્યો છે.
તાજેતરની ઘટના મુજબ ગુઆનજુઆટોના ઈરાપુઆટો શહેરમાં ગોળીબાર ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે સ્થાનિકો સેન્ટ જોન બેપટિસ્ટના સન્માનમાં ડાન્સ કરી રહ્યા હતા અને દારૂ પાર્ટી કરી રહ્યા હતા.
ઓનલાઈન શેર કરાયેલા વીડિયોમાં દેખાય છે કે ગોળીબાર શરૂ થયા બાદ ગભરાયેલા લોકો વચ્ચે અફરા તફરી મચી ગઈ હતી. ઈરાપુઆટોના એક અધિકારી રોડોલ્ફો ગમેજ સર્વેન્ટ્સે પુષ્ટી કરી હતી કે મૃતકોની સંખ્યા વધીને 12 થઇ ચૂકી છે. જોકે ઘાયલોની સંખ્યા 20 જણાવાઈ રહી છે.