Punjab,તા.27
ભારત-પાક સરહદે ફરી એક વખત વધી રહેલી ઘુસણખોરી સામે બીએસએફ દ્વારા હવે પેટ્રોલીંગ વધુ સઘન બનાવાયુ છે અને પંજાબ સાથેની પાકિસ્તાનની સીમા પર ભારતીય સરહદમાં ઘુસવા માંગતા પાકના ઘુસણખોરોના એક જૂથને રોકીને તેમાં એક ઘુસણખોરને ઠાર મરાયો હતો.
જયારે અન્ય ફરી પાકિસ્તાનની સીમામાં ચાલ્યા ગયા હતા. બીએસએફના જણાવ્યા મુજબ તા.26ના તાસપતન બોર્ડર ચેકપોસ્ટ પર પેટ્રોલીંગ કરી રહેલા જવાનોને કંઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી અને તેમાં કેટલાક લોકો ભારતીય સીમામાં ઘુસવા પ્રયત્ન કરી રહ્યા હોય તેવું જણાતા જ તેઓને પડકારવામાં આવ્યા હતા.
જેમાં આ ઘુસણખોરો અલગ અલગ થઈ ગયા અને બીએસએફને ચકમો આપવા કોશીશ કરી હતી પરંતુ જવાનોએ તેમને ગોળીબાર કરીને અટકાવી દેવાયા હતા જેમાં એક ઘુસણખોર ઠાર મરાયો છે. જો કે અન્ય સલામત રીતે નાસી છુટવામાં સફળ રહ્યા છે.