America,તા.23
ICEના ડિટેન્શન સેન્ટર્સમાં રખાતા ઈમિગ્રન્ટ્સ સાથે અમાનવીય વર્તન થતું હોવાના આરોપો લાગતા રહ્યા છે. ત્યારે હવે ફ્લોરિડા સ્ટેટના માયામી સિટીના ડિટેન્શન સેન્ટર્સમાં માઈગ્રન્ટ્સને કથિત રીતે કૂતરાની જેમ ખાવા મજબૂર કરાયા હોવાનો આરોપ મૂકાયો છે.
એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આ ડિટેન્શન સેન્ટર્સમાં ઈમિગ્રન્ટ્સના હાથ પીઠ પાછળ બાંધી રાખવામાં આવ્યા હોવાથી તેમને ઘૂંટણનો ટેકો લઈ માથું પ્લેટમાં નાખીને કૂતરાની જેમ ખાવા મજબૂર થવું પડ્યું હતું.
એડ્વોકસી ગ્રૂપ હ્યુમન રાઈટ્સ વોચ, એમેરિકન્સ ફોર જસ્ટિસ અને સેન્ચુરી ઓફ સાઉથે ડિટેઈન કરીને રખાયેલા લોકો સાથે કરેલી વાતના આધારે પોતાના રિપોર્ટમાં આ આરોપ લગાવ્યો છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, ડઝનથી વધુ લોકોને કલાકો સુધી સેલમાં બંધ રાખવામાં આવ્યા હતા અને સાંજ 7 વાગ્યા સુધી ખાવાનું અપાયું નહોંતું. જ્યારે ખાવાનું અપાયું ત્યારે તેમને બેડીઓ પહેરાવીને રખાઈ હતી અને તેમની સામે ખુરશીઓમાં ખાવાની પ્લેટ મૂકવામાં આવી હતી.
રિપોર્ટમાં જણાવાયા મુજબ, પેટ્રો નામના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમને પ્રાણીઓની જેમ ખાવું પડ્યું હતું. રિપોર્ટ મુજબ, સાઉથ ફ્લોરિડામાં આવેલી ICEની ત્રણેય જેલોમાં બંધ લોકોની આવી જ હાલત છે.
આ ગ્રૂપનું કહેવું છે કે, ત્રણે જેલોમાં ગાર્ડ્સ દ્વારા અપમાનજનક વર્તન કરવાની બાબત સામાન્ય છે. પશ્ચિમ માયામીમાં આવેલા ક્રોમ નોર્થ સર્વિસ પ્રોસેસિંગ સેન્ટરમાં મહિલાઓને પુરુષોની સામે શૌચાલયનો ઉપયોગ કરવા મજબૂર કરાતી હતી. એટલું જ નહીં તેમને સ્નાન પર કરવા દેવાતું નહોંતું અને પૂરતું ખાવાનું પણ અપાતું નહોતું એવો પણ આરોપ મૂકાયો છે.