America,તા.18
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વર્તમાન તસવીરોએ તેમના સ્વાસ્થ્ય મુદ્દે ચિંતા વધારી છે. સોશિયલ મીડિયા પર અટકળો વચ્ચે વ્હાઈટ હાઉસે ગુરૂવારે જણાવ્યું હતું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ક્રોનિક વેનિસ ઈનસફિસિયન્સી (CVI) નામની બીમારી છે. આ જાહેરાત ત્યારે આવી જ્યારે ટ્રમ્પના પગમાં સોજા અને તેમના હાથ પર ‘ઘા’ના નિશાનની તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી હતી.
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, 79 વર્ષીય ટ્રમ્પને હાલમાં જ પગમાં સોજાની સમસ્યા થઈ હતી. ત્યારબાદ વ્હાઈટ હાઉસ મેડિકલ યુનિટે નિદાન કરાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે, મીડિયામાં ઘણા લોકો રાષ્ટ્ર પ્રમુખના હાથ પર પણ ઈજા અને પગમાં સોજા વિશે અટકળો લગાવી રહ્યા છે. પારદર્શિતા જાળવી રાખવા માટે રાષ્ટ્રપ્રમુખ ઈચ્છતા હતા કે, તે પોતાના ડોક્ટરના રિપોર્ટ પણ રજૂ કરે, જેથી તમામ રિઝલ્ટ્સ સામાન્ય સમય મર્યાદા અંદર આવી જાય.
વ્હાઈટ હાઉસે પ્રમુખ ટ્રમ્પના ડોક્ટર સીન બારબાબેલાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જે અનુસાર, ટ્રમ્પનુ ફૂલ બૉડી ચેકઅપ કરવામાં આવ્યું. જેમાં વાસ્ક્યુલર સ્ટડીઝ અને બંને પગના વેનિસ ડોપલર અલ્ટ્રાસાઉન્ડ સામેલ હતા. 70 વર્ષથી વધુ વયના લોકોમાં આ એક સામાન્ય અને બિન જોખમી બીમારી છે. ક્લિવલેન્ડ ક્લિનિક અનુસાર, આ સ્થિતિ ત્યારે સર્જાય છે, જ્યારે પગની નસથી લોહી હાર્ટ સુધી પહોંચવામાં અસમર્થ બને છે. જેના લીધે પગમાં લોહી જામી જાય છે. જેનાથી સોજો, દુઃખાવો અને ત્વચાનો રંગ બદલાઈ જાય છે. ક્યારેય અલ્સર જેવી બીમારી પણ થઈ શકે છે.
લેવિટે જણાવ્યું હતું કે, ટ્રમ્પની તપાસમાં ગંભીર બીમારીઓ જેમ કે ડીપ વેન થ્રોમ્બોસિસ (ડીવીટી) તથા ધમની રોગના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. અન્ય મેડિકલ તપાસમાં સીબીસી, સીએમપી અને કોએગુલેશન પ્રોફાઈલના પરિણામ સામાન્ય જોવા મળ્યા છે. ઈકોકાર્ડિયોગ્રામથી ખાતરી કરવામાં આવી છે કે, ટ્રમ્પનું હાર્ટ સામાન્ય રૂપે કામ કરી રહ્યું છે. તેમજ તેના સંબંધિત કોઈ બીમારીના સંકેત નથી.
હાલના સપ્તાહમાં ટ્રમ્પના હાથ પર ઈજાના નિશાન અને પગમાં સોજા વાળી તસવીર જોવા મળી છે. વિશેષ રૂપે 13 જુલાઈના ન્યૂ જર્સીમાં ફીફા ક્લબ વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન લેવામાં આવેલી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ હતી. તેમજ તેમના સ્વાસ્થ્ય મુદ્દે અનેક અટકળો વહેતી થઈ હતી. વ્હાઈટ હાઉસે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે, વારંવાર હાથ મિલાવવા તેમજ એસ્પિરિનના ઉપયોગના કારણે ત્વચામાં બળતરાં થઈ છે. ટ્રમ્પ હાર્ટ સંબંધિત સમસ્યાઓ ન થાય તે માટે નિયમિત રૂપે એસ્પિરિન લે છે. જેનાથી લોહી પાતળુ રહે છે.
ક્રોનિક વેનિસ ઈનસફિસિયન્સી એક પ્રગતિશીલ સ્થિતિ છે. જેની કોઈ સ્થાયી સારવાર નથી. પરંતુ તેને મેનેજ કરી શકાય. ક્લિવલેન્ડ ક્લિનિક અને જોન્સ હોપકિન્સ અનુસાર, સારવારના વિકલ્પોમાં મેડિકલ-ગ્રેડ કમ્પ્રેશન સ્ટોકિંગ્સ પહેરવા, પગને બહુ સમય નીચા ન રાખવા, નિયમિત વ્યાયામ, અને વજન પર કંટ્રોલ સામેલ છે. ગંભીર કિસ્સામાં સ્ક્લેરોથેરેપી જેવી નાની સર્જરી જેમાં લિગેશન તથા વેન સ્ટ્રિપિંગની જરૂર પડે છે. મેડિકલ એક્સપર્ટ અનુસાર, આ સ્થિતિ સામાન્ય છે. જે 5 ટકા વરિષ્ઠ લોકોને પ્રભાવિત કરે છે. ખાસ કરીને 50 વર્ષની વય બાદ આ બીમારી જોવા મળે છે. જે થવા પાછળનું કારણ મેદસ્વીપણુ, પારિવારિક ઈતિહાસ, અને લાંબા સમય સુધી બેસી કે ઉભા રહેવાની ટેવ સામેલ છે.