Palitana, તા.04
ભાવનગરમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્રણ વર્ષના માસૂમ રાજદીપ માથાસુરિયા તેની આંખની સારવાર માટે આયુષ્માન કાર્ડ મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. આયુષ્માન કાર્ડ જે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે વરદાનરૂપ છે, તે અધિકારીઓની બેદરકારી અને ગૂંચવણભર્યા નિયમોના કારણે રાજદીપ માટે અભિશાપ સમાન બની ગયું છે. પાલિતાણા તાલુકાના ખીજડિયા ગામનો રાજદીપ બે વર્ષ પહેલાં રમતા રમતા આંખમાં છરી વાગવાને કારણે પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠો છે.
રાજદીપના પિતા કરણભાઈ માથાસુરિયાએ જણાવ્યું કે, બે વર્ષ પહેલાં તેમની બહેનના લગ્ન હોવાથી તેઓ બહારગામ હતા ત્યારે એક વર્ષના રાજદીપની આંખમાં છરી વાગી ગઈ. તાત્કાલિક તેને પાલીતાણા અને બાદમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે, ત્યાં ઓપરેશનમાં જોખમ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યાં તેનું ઓપરેશન થયું. પરંતુ, દોઢ મહિના બાદ તેની આંખમાં સફેદ ડાઘ દેખાવા લાગ્યા, જેના કારણે ડોક્ટરે મોતિયાનું ઓપરેશન કરાવવાનું સૂચવ્યું. આ ઓપરેશનમાં અંદાજે રૂ. 2 થી રૂ. 2.5 લાખનો ખર્ચ થયો હોવા છતાં આંખની સ્થિતિમાં સુધારો થયો નહીં.
હવે રાજદીપની વધુ સારવાર માટે કરણભાઈ પાસે પૈસા નથી અને તેઓ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર મેળવવા માંગે છે. જોકે, આયુષ્માન કાર્ડ માટે આધાર કાર્ડ ફરજિયાત છે. જ્યારે કરણભાઈ રાજદીપનું આધાર કાર્ડ બનાવવા ગયા, ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે આઇરિશ સ્કેન વિના આધાર કાર્ડ નહીં બની શકે. રાજદીપની આંખ જ ડેમેજ હોવાથી આઇરિશ સ્કેન શક્ય નથી અને તેના કારણે આધાર કાર્ડ બનતું નથી, જેના પરિણામે આયુષ્માન કાર્ડ પણ અટકી પડ્યું છે અને રાજદીપની સારવાર અટકી ગઈ છે.
આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે, આધાર કાર્ડ માટે આઇરિશ સ્કેન હંમેશા ફરજિયાત નથી. જો આંખમાં કોઈ ખામી હોય અને ડોક્ટર લેખિતમાં આ વિશે પ્રમાણપત્ર આપે, તો આઇરિશ સ્કેન વિના ફક્ત બાયોમેટ્રિક (ફિંગરપ્રિન્ટ)ની મદદથી પણ આધાર કાર્ડ નીકળી શકે છે. તેમ છતાં, આધાર સેન્ટર પર કામ કરતા લોકોની આળસ અને ઈચ્છાશક્તિના અભાવે રાજદીપની આગળની સારવાર શક્ય બની રહી નથી.
- UIDAI (ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ) દ્વારા આધાર કાર્ડ માટેના નિયમો સ્પષ્ટ છે:
- વિઝ્યુઅલ ઈમ્પેયર્ડ સર્ટિફિકેટ: જો સરકારી હોસ્પિટલે આપેલું વિઝ્યુઅલ ઈમ્પેયર્ડ સર્ટિફિકેટ અથવા આધાર યોગ્યતા ધરાવતું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે, તો આઇરિશ સ્કેન ફરજિયાત રહેતું નથી.
- “એક્સેપ્શન હેન્ડલિંગ”: જો આઇરિશ સ્કેન અને ફોટો લેવાનું શક્ય ન હોય, તો “Exception Handling” તરીકે નોંધણી થાય છે.
- ઓપરેટરની નોંધણી: આધાર ઓપરેટર “Iris Not Captured” અને “Photograph Not Captured” તરીકે ટિક કરી શકે છે અને નોંધણી કરી શકે છે.
- ફિંગરપ્રિન્ટ પણ અસમર્થ હોય તો: જો ફિંગરપ્રિન્ટ પણ લેવામાં અસમર્થતા હોય, તો તે પણ એક્સેપ્શન તરીકે નોંધવામાં આવે છે.
- અસામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા: અસામાન્ય પરિસ્થિતિમાં, આધાર ઓપરેટર ઓનલાઈન નોંધણી સાથે સર્ટિફિકેટ અપલોડ કરે છે અને સુપરવાઈઝર દ્વારા મંજૂરી લેવામાં આવે છે.
- માન્ય દસ્તાવેજો: ઓળખ માટે આધાર માન્ય દસ્તાવેજો જેમ કે પાન કાર્ડ, રેશન કાર્ડ વગેરે આપવા પડે છે.
આ પ્રક્રિયા UIDAI દ્વારા માન્ય છે અને દૃષ્ટિઅંધ નાગરિકોના અધિકાર તરીકે સ્વીકૃત છે. જો કોઈ આધાર સેન્ટર આ નિયમોને સ્વીકારતું ન હોય અને આધાર કાર્ડ કાઢી આપવામાં સહકાર ન આપે, તો UIDAI હેલ્પલાઇન 1947 પર ફરિયાદ કરી શકાય છે.