ચોળી, મરચા, સગરવો, કારેલા ટીંડોણાના ભાવ ૧૦૦ રૂ. કિલોએ પહોંચ્યો : થાળીમાં શાકભાજીનું સ્થાન બટેટા અને કઠોળે લીધુ
Dholka તા.૧૨
ધોળકામાં ચોમાસામાં શાકભાજીના ભાવમાં ઘટાડો થવાને બદલે તોતિંગ વધારો થયો છે. સતત વધતા ભાવથી શ્રમજીવી, મધ્યમ વર્ગના લોકો ચિંતિત થયા છે. ચોળી, મરચા, સગરવો, કારેલા ટીંડોણાના ભાવ ૧૦૦રૂ. કિલોએ પહોંચ્યો છે. બીજી તરફ થાળીમાં શાકભાજીનું સ્થાન બેટાટા અને કઠોળે લીધુ છે.ધોળકા પંથકમાં હાલ વરસાદી મોસમ બરાબરની જામી છે. વાવણી લાયક વરસાદ પણ પડી ચૂક્યો છે. મોટાભાગના ખેત વિસ્તારોના આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઇ ચૂક્યાં છે. ચોમસાાની સીઝનના ખેતપાકો, શાકભાજી, ઘાસચારો સહિત જંગલી વનસ્પતિઓ માટે વરસાદી મૌસમ આશીર્વાદરૂપ બની ચુકી છે ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ વધતા શ્રમજીવી, ગરીબ વર્ગ અને મધ્યમવર્ગના લોકો અકળાઇ ઉઠયા છે. ખાસ કરીને શાકભાજીઓના ભાવોમાં બેફામ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ચુક્યું છે. સામાન્ય રીતે તો ચોમાસા દરમ્યાન શાકભાજીનાં ભાવોમાં સારા એવા પ્રમાણમાં ઘટાડો જોવા મળતો હતો, પરંતુ આ વખતે ભારે વરસાદને કારણે લીલા શાકભાજી બગડી જતાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તો બીજી તરફ માગ વધી છે. જેના કારણે શાકભાજીનાં ભાવમાં તોતિંગ વધારો થયો છે, જેના કારણે લોકોનાં ઘરોમાં થાળીમાંથી લીલા શાકભાજી ગાયબ થઇ રહ્યા છે, તેની સામે બટેકા અને કઠોર નજરે પડી રહ્યા છે. આર્યુવેદમાં ચોમસાની ઋતુમાં અમુક શાકભાજીનો ઉપયોગ નહીં કરવા જણાવાયું છે. ખાસ કરીને અમુક લીલી શાકભાજી જેમાં પાલક, ફુદીનો, ધાણા, ફુલાવર, કોબીજ, રીંગણ, મુળા, મશરૂમ, વધારે પાણીવાળા ફળ, ગલકા, તાંદળીયો, મેથી સહિતના શાકભાજી વર્ષાઋતુ દરમિયાન ટાળવો હિતકારી છે.