બેંગલોર સ્થિત પતિએ પત્નીનો ત્યાગ કરતા જીવન નિર્વાહ ચલાવવા દાદ માંગી તી
Rajkot,તા.29
પોતે કાંઈ કમાતો નથી તેવો બચાવ લેનાર પતિને વચગાળામાં પત્ની, બાળકનું રૂ. ૫૦૦૦ વચગાળાનું ભરણ પોષણ ચૂકવવાનો જેતપુરની અદાલતે આદેશ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ હાલ જેતપુર મુકામે રહેતી પરિણીતા ભાવનાના લગ્ન બેંગલોર રહેતા ભરત ગોપાલરામ પટેલ સાથે સને ૨૦૨૧ની સાલમાં થયા હતા, લગ્નબાદ સાસરે સયુંકત કુટુંબ જીવનમાં એક પુત્રનો જનમ થયો હતો, ત્યાર બાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ થતાં પરિણીતા પોતાના માવતરે પરત ફરેલ હતી અને તેણે પતિ ભરત ગોપાલરામ પટેલ સસરા ગોપાલરામ ચીનારામ પટેલ અને સાસુ મોહીનીદેવી ગોપાલરામ પટેલ, નણંદ ઈન્દીરાદેવી ધીરજ પટેલ, ધીરજ અમરારામ પટેલ સામે જેતપુરની ફોજદારી અદાલતમાં ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ તળેની ફરીયાદ એડવોકેટ સંદીપ અંતાણી મારફતે દાખલ કરી હતી અને કેસ ચાલે તે સમય દરમ્યાન વચગાળામાં પણ ભરણ પોષણની માંગ કરતી અરજી કરી હતી.જે સંદર્ભે અદાલતમાં હાજર થયેલા. અને પતિએ બચાવમાં સુપ્રીમ કોર્ટનું આવક જવાબદારીનું સોગંદનામુ રજૂ કરી તેમાં પોતે પોતાના પિતા ઉપર નિર્ભર છે અને દલીલમાં પણ તેવી રજૂઆતો કરી હતી, ત્યારબાદ વચગાળાના ભરણ પોષણની અરજી દલીલ પર આવી હતી. તેમાં પરિણીતાના વકીલ અંતાણીએ લંબાણ પૂર્વકની દલીલો રજુ કરેલ હતી અને તેમની તમામ દલીલોથી સહમત થઈ જેતપુરની ફોજદારી અદાલતે પતિ ભરત પટેલે અરજીની દાખલ તારીખથી એટલે કે ૨૧-૩-૨૫ થી પરિણીતા અને પુત્રને માસીક રૂ. ૫૦૦૦ વચગાળામાં ભરણ પોષણ પેટે ચુકવવા તેવો હુકમ કરેલ હતો. જેથી પરણીતા કેસ ચાલુ થયા પહેલાંજ પતી પાસેથી 55000 વચગાળાના ભરણ પોષણના વસુલવા હકકદાર બની છે.આ કેસમાં પરિણીતા વતી રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત એડવોકેટ સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી તથા સ્નેહલબેન પંડયા વકીલ તરીકે રોકાયા હતા.