Gandhinagar,તા.28
ગાંધીનગર શહેર નજીક આવેલા મહેદરા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં આંતરરાષ્ટ્રીય કોલસેન્ટર ધમધમી રહ્યું હોવાની માહિતીને પગલે ગાંધીનગર એલસીબી ૨ની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અને અહીં મહિલા સહિત ચાર વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા. જેમની પાસેથી ૧૧ લેપટોપ, પાંચ મોબાઈલ અને અન્ય ઉપકરણો મળીને ૨.૧૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
હાલમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવીને ટોળકીઓ દ્વારા દેશ અને વિદેશમાં લોકોને છેતરવામાં આવતા હોય છે ત્યારે રાજ્યમાં વધી રહેલી આ પ્રકારની પ્રવૃત્તિ વચ્ચે ગાંધીનગર રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા પોલીસને આ દિશામાં કાર્યવાહી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને એલસીબી ટુના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમાર અને તેમની ટીમ ગેરકાયદેસર ચાલતા આ પ્રકારના કોલ સેન્ટરને શોધવા માટે દોડી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે, મેદરા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલા હડકાઈ માતાના મંદિર નજીક એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચાલી રહ્યું છે અને જેમાં વિદેશના નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં આ ફાર્મ હાઉસમાં ચાર વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા. જેમની પૂછપરછ કરવામાં આવતા તે ઉત્તર પ્રદેશ લાલગંજના આર્યમાનસિંગ પુષ્પેન્દ્રસિંગ સિંગ, મહારાષ્ટ્ર પુણેના પ્રસાદ તાનાજી ભગત,સનોજલાલ ક્લીટુસ લોપઝ અને એન્જેલા અરવિંદ ગાયકવાડ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અહીં તપાસ કરતા ૧૧ જેટલા લેપટોપ અને પાંચ મોબાઇલ તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા હતા. જેથી ૨.૧૩ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને તપાસ શરૃ કરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, આ ટોળકી દ્વારા આ કોલ સેન્ટર મારફતે યુ.એસ. નાગરિકોને એમેઝોન પાર્સલના બહાને ડ્રગ્સ હોવાની ધમકી આપીને છેતરવામાં આવતા હતા. તેઓ એક્સ સ્લામઇટ કોલિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરીને લેપટોપ દ્વારા યુ.એસ. નાગરિકોને કોલ અને મેસેજ કરતા હતા. તેઓ ગિફ્ટકાર્ડ મારફતે પૈસા પડાવતા અને ટાર્ગેટ કાર્ડ દ્વારા પોતાના એજન્ટો દ્વારા ભારતમાં પૈસા મંગાવતા હતા. આ ટોળકી દ્વારા અત્યાર સુધી કેટલા લોકોને છેતરવામાં આવ્યા છે તે મામલે પણ તપાસ શરૃ કરવામાં આવી છે. જોકે ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે માટે હાલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.