New Delhi,તા.17
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ, ODI અને T20 જેવા ત્રણ મુખ્ય ફોર્મેટ વચ્ચે હવે એક નવું અને સંભવિત ચોથું ફોર્મેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ નવા ફોર્મેટનું અનાવરણ કરવામાં આવ્યું છે, જેને ટેસ્ટ ટ્વેન્ટી નામ આપવામાં આવ્યું છે, જે ટેસ્ટ ક્રિકેટના ઊંડાણ અને T20 ક્રિકેટની ઝડપનું મિશ્રણ હશે.
અહેવાલો અનુસાર, શરૂઆતમાં આ ફોર્મેટ માત્ર અંડર-19 ટુર્નામેન્ટ પૂરતું સીમિત રહેશે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં ભારતમાં રમાઈ શકે છે. આ નવું ફોર્મેટ ક્રિકેટના યુવા ખેલાડીઓને લાંબા અને ટૂંકા બંને ફોર્મેટનો અનુભવ કરાવશે.
આ નવી લીગ સાથે ક્રિકેટ જગતના કેટલાક દિગ્ગજ ખેલાડીઓ પણ જોડાયેલા છે, જેમાં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન સર ક્લાઈવ લોયડ, ભારતીય સ્પિનર હરભજન સિંહ, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ મેથ્યુ હેડન અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સનો સમાવેશ થાય છે. આ ફોર્મેટને ભારતીય આર્કિટેક્ટ ગૌરવ બહિરવાનીએ રાજસ્થાન રોયલ્સના પૂર્વ સીઈઓ માઈકલ ફોર્ડહામ સાથે મળીને શરૂ કરવાની યોજના બનાવી છે.
ટેસ્ટ ટ્વેન્ટીમાં 80 ઓવરની મેચ હશે, જેમાં દરેક ટીમને 40 ઓવર રમવાનો મોકો મળશે. એક ઇનિંગ 20 ઓવરની રહેશે. મેચ દરમિયાન ચાર અંતરાલ (બ્રેક) હશે. જો કોઈ ટીમ પ્રથમ ઇનિંગમાં 75 રનથી પાછળ રહી જાય, તો તેણે ફોલો-ઓન રમવું પડશે. જો કે, મેચ લાલ બોલથી રમાશે કે સફેદ બોલથી તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
શરૂઆતની સિઝનમાં 6 ટીમો હોઈ શકે છે અને કુલ 96 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ ઉપરાંત આયોજકો દ્વારા 13થી 19 વર્ષની વયના છોકરાઓને સ્ટેડિયમમાં મફત પ્રવેશ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે યુવા ક્રિકેટ ચાહકોને આકર્ષિત કરશે. આ નવો પ્રયોગ ક્રિકેટની દુનિયામાં એક નવો આયામ સ્થાપિત કરી શકે છે, ખાસ કરીને યુવા ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે.