Jamnagar,તા.7
યાત્રાધામ દ્વારકા નજીક આવેલા સુંદર અને મનમોહક શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ તા. 11 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે રંગીન પતંગો અને આકાશ આંબતા ઉત્સાહ સાથે પ્રારંભ થશે.
રાજ્યના પ્રવાસન વિભાગ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મહોત્સવ ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનારું મહત્વપૂર્ણ આયોજન છે. આ પ્રસંગે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવશે, જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશાળ આકાશમાં ઉડતા વિશિષ્ટ પતંગો મહોત્સવને એક અલગ જ રંગ અને રોમાંચ આપશે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગ પ્રદર્શન, વિવિધ આકારના વિશાળ અને કલાત્મક પતંગોની પ્રદર્શની, લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, પર્યટનને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતની ઉત્સવભરી પરંપરાને ઉજાગર કરતો મહોત્સવ છે, જે રાજ્યની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.
શિવરાજપુર બીચ જેવી વિશ્વપ્રસિદ્ધ પર્યટન જગ્યાએ યોજાતો આ મહોત્સવ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે યાદગાર અનુભવ સાબિત થશે. આ ભવ્ય મહોત્સવમાં સહભાગી થવા માટે સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ, પતંગપ્રેમીઓ વિગેરેને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

