કંપનીના સુપર સ્ટોકિસ્ટોને ત્યાં ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની ટીમો ઉતરી પડીઃ સ્થાનિક જિલ્લાના અધિકારીઓને અન્ય જિલ્લામાં તપાસો સોંપવામાં આવી
Rajkot તા.8
હાલમાં જ ઝેરી કોલ્ડ્રીફ સિરપના કારણે એમપી અને રાજસ્થાનમાં અનેક બાળકોનો ભોગ લેવાઈ ગયો છે અને આ ખતરનાક શીરપ ગુજરાતમાં પણ વેચાતું હોવાનું બહાર આવ્યા બાદ રાજયની આરોગ્ય તંત્ર સજાગ બન્યું છે અને સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોને મેદાનમાં ઉતારી છે અને સર્વત્ર ચેકીંગના આદેશો આપવામાં આવેલ છે.
આ આદેશોના પગલે રાજકોટ જીલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ફુડ એન્ડ ડ્રગ્સની ટીમો ઉતરી પડી છે અને કફ શીરપની કંપનીના સુપર સ્ટોકિસ્ટોને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લા ફુડ એન્ડ ડ્રગ વિભાગના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લાના કફ સિરપ કંપનીના સુપર સ્ટોકિસ્ટોને ત્યાં પણ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે.
એવી વિગતો પણ મળી રહી છે કે, આ તપાસમાં જે તે સ્થાનિક જીલ્લાના અધિકારીઓને બદલે અન્ય જીલ્લાના અધિકારીઓને તપાસો સોંપવામાં આવી છે. રાજકોટ જીલ્લાની વાત કરીએ તો રાજકોટ જીલ્લાના અધિકારીઓને જામનગરમાં તપાસો સોંપાઈ છે જયારે રાજકોટ જીલ્લામાં અન્ય જીલ્લાના અધિકારીઓને તપાસ કરવા સુચના આપવામાં આવી છે.
આજરોજ સવારથી જ સર્વત્ર ફુડ એન્ડ ડ્રગ વિભાગના ઈન્સ્પેકટરોની ટીમ ઉતરી પડી છે અને સિરપ બનાવતી કંપનીના સુપર સ્ટોકિસ્ટોને ત્યાં તપાસો કરવામાં આવી રહી છે. આ તપાસ ઓપરેશનનું સમગ્ર સંચાલન ગાંધીનગરની વડી કચેરીથી થઈ રહી હોવાનું પણ જાણવા મળેલ છે.