Mumbai,તા.21
શેરબજારમાં નવા-નાના ઈન્વેસ્ટરો દ્વારા ડેરિવેટીવ્હમાં થતી સટ્ટાખોરી સામે વખતોવખત લાલબતી ધરવામાં આવે છે ત્યારે આ જોખમી ટ્રેડીંગ કરવા માટે પરીક્ષા આપવાની જોગવાઈ દાખલ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
શેરબજાર નિયમનકાર સેબીને એવુ સુચન કરવામાં આવ્યું છે કે, જોખમી ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગ કરવા માંગતા ઈન્વેસ્ટરો માટે પરીક્ષા પદ્ધતિ દાખલ કરવામાં આવે. સિંગાપોર, હોંગકોંગ તથા યુરોપીયન યુનિયનમાં આ પદ્ધતિ છે અને તે ધોરણે ભારતમાં પણ તેનો અમલ કરવામાં આવે. સેબીએ ગત મહિને ફયચુર ટ્રેડીંગ માટેના નિયમોમાં બદલાવ સુચવતુ કન્સલ્ટેશન પેપર જારી કર્યું હતું તે પછી સેબીને આ સુચન કરવામાં આવ્યુ હતું.
સુત્રોએ કહ્યું કે, રીટેઈલ ઈન્વેસ્ટરોનાં હિતનાં નામે સમગ્ર માર્કેટને આકરા કાયદાથી ફટકો પડતો રોકવા માટે આ સૂચન કરવામાં આવ્યું છે.પર્યાપ્ત તાલીમ મેળવીને ઈન્વેસ્ટરો પરીક્ષા પાસ કરે અને પછી ડેરીવેટીવ્ઝ ટ્રેડીંગમાં ઝંપલાવવાનું સુરક્ષિત હશે તેમ માનવામાં આવે છે.જાણકારોનાં કહેવા પ્રમાણે સેબીના સુચિત નિયમોથી માર્કેટમાં મોટો ઘટાડો થઈ શકે છે.રીટેઈલ ઈન્વેસ્ટરોને બચાવવાનો જ ટારગેટ હોય તો આ વર્ગ માટે જ પરીક્ષા જેવો નિયમ દાખલ કરીને બચાવી શકાય છે. આ માટે માર્કેટમાં નવી પ્રોડકટ પણ દાખલ કરી શકાય.
આ ઉપરાંત એકસપાયરી માટે અઠવાડીયામાં એક કે બે દિવસ જ રાખવાની તેની આગળના દિવસોમાં વોલાટીલીટી વધવાનો ભય પણ સેબી સમક્ષ વ્યકત થયો છે.આ દિવસોમાં રીસ્ક મેનેજમેન્ટ માટે બ્રોકરોએ વધુ કાળજી રાખવી પડશે.અને તેઓનો ખર્ચ પણ વધશે સાથોસાથ જંગી ખર્ચને કારણે બ્રોકરો વચ્ચેની સ્પર્ધા પણ ધીમી પડશે કારણ કે તમામ બ્રોકરો જંગી ખર્ચ કરવા તૈયાર નહિ થાય કે તેઓની એટલી ક્ષમતા નહીં હોય.સેબીના એકસપાયરી સંબંધી સૂચિત નિયમો સામે પણ શેરબ્રોકરો દ્વારા અનેકવિધ સૂચનો કરવામાં આવ્યા છે. અને તર્ક-દલીલ પેશ કરવામાં આવ્યા છે.