Mumbai,તા.15
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની અબજો ડોલરની ચમક પર હવે ફટકો લાગ્યો છે. તેના ઇતિહાસમાં પહેલી વખત ટુર્નામેન્ટની કિંમતમાં સતત બે વર્ષ સુધી ઘટાડો થયો છે. તે 2023માં રૂ।.92,500 કરોડ (11.2 બિલિયન) થી ઘટીને 2024માં રૂ।.82,700 કરોડ (9.9 બિલિયન) અને હવે 2025માં રૂ।.76,100 કરોડ (8.8 બિલિયન) થઈ છે.
ડીએન્ડપી એડવાઇઝરીના 2025 આઈપીએલ-ડબલ્યુપીએલ વેલ્યુએશન રિપોર્ટ અનુસાર, “બિયોન્ડ 22 યાર્ડ્સઃ ધ પાવર ઓફ પ્લેટફોર્મ્સ, ધ પ્રાઇસ ઓફ રેગ્યુલેશન” શીર્ષક હેઠળના એક રીપોર્ટમાં જણાવ્યું કે છેલ્લાં બે વર્ષમાં રૂ।.16,400 કરોડનો ઘટાડો ભારતીય ક્રિકેટની અર્થવ્યવસ્થામાં “રિસેટ” દર્શાવે છે.
આ ઘટાડાના બે મુખ્ય કારણો આપવામાં આવ્યા છે
1/ મીડિયા કંપનીઓનું મર્જર (ડિઝની સ્ટાર અને વાયાકોમ 18 મર્જર કરીને જિયો-સ્ટાર બનશે)
2/ સરકાર દ્વારા રીઅલ-મની ગેમિંગ (આરએમજી) ની જાહેરાત અને સ્પોન્સરશિપ પર પ્રતિબંધ.
રિપોર્ટ અનુસાર, આરએમજી પરના પ્રતિબંધને કારણે આઇપીએલ ઇકોસિસ્ટમને દર વર્ષે આશરે રૂ।.1,500-રૂ।.2,000 કરોડનું નુકસાન થાય છે. તે જ સમયે, સમગ્ર ભારતીય રમતગમત અને મીડિયા ઉદ્યોગને લગભગ રૂ।.7,000 કરોડનું જાહેરાતનું નુકસાન થયું છે, જેમાં ક્રિકેટની સૌથી વધુ અસર છે.
ડેશર એન્ડ પીના મેનેજિંગ પાર્ટનર સંતોષ એન.એ જણાવ્યું હતું કે, “અમે પહેલેથી જ આગાહી કરી હતી કે તેજીની ગતિ હવે ધીમી પડશે. વર્ષ 2023માં જ્યારે અમે આઇપીએલની કિંમત 11.2 અબજ ડોલર હતી, ત્યારે અમે માનતા હતા કે, 2027 સુધીમાં મીડિયા રાઈટ્સમાં 40-50 ટકાનો વધારો થશે. પરંતુ આરએમજી પરના પ્રતિબંધથી આ સંભાવના ઓછી થઈ ગઈ.
2022 માં, બીસીસીઆઈએ 2023-27 માટે IPLના મીડિયા રાઇટ્સ રૂ।.48,390 કરોડમાં વેચ્યા હતા, ડિઝની સ્ટારને ટીવી રાઇટ્સ મળ્યાં હતાં અને Viacom18 (JioCinema) ને ડિજિટલ રાઇટ્સ મળ્યાં હતાં.
આ સોદો અગાઉનાં કોન્ટ્રાકટ કરતાં (2018-22) 16,347 કરોડ રૂપિયા કરતાં ત્રણ ગણો મોટો હતો. પરંતુ 2024 માં ડિઝની સ્ટાર અને વાયાકોમ 18 ના મર્જર સાથે, બંને અધિકારો હવે જિયો-સ્ટાર પાસે છે.
અગાઉની જેમ સ્પર્ધાનો અંત આવતાં ભાવવધારાની શક્યતા પણ ઘટી હતી. આઈપીએલના ફંડામેન્ટલ્સ મજબૂત છે, પરંતુ જાહેરાતના દર દબાણ હેઠળ રહેશે. વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)માં સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે.
2025 માં તેનું મૂલ્ય રૂ।.1,275 કરોડ (148 મિલિયન) છે, જે 2024માં રૂ।.1,350 કરોડ (160 મિલિયન) કરતાં થોડું ઓછું છે. રિપોર્ટ અનુસાર, આ સમયગાળો “ઘટાડો નહીં પરંતુ સ્થિરતા” નો સમય છે.