Tehran,તા.24
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધમાં સીઝફાયર થઈ ગયુ હોવાની અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના કલાકોમાં જ ઈરાને તેલઅવીવ બીરરોવા, સહીતનાં ઈઝરાયેલનાં શહેરોમાં પ્રચંડ મિસાઈલમારો કર્યો હતો જેને પગલે યુદ્ધ વિરામ લાગુ થવા વિશે શંકા જન્મી હતી. આ હુમલામાં ઈઝરાયેલનાં 13 લોકોના મોત નીપજયા હતા અને કેટલાંક ઘાયલ થયા હતા.
યુદ્ધ વિરામ બાદ ઈઝરાયેલનાં મોટાભાગના શહેરોમાં સાયરન ગર્જવા લાગ્યા હતા. ઈરાન તરફથી મિસાઈલ હુમલા થઈ રહ્યાનું જાહેર કરીને નાગરીકોને બંકર-સુરક્ષીત સ્થળોએ પહોંચી જવાની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
તે પછી ઈરાનના મિસાઈલ તેલઅવીવ, જેરૂસલેમ, બીકશેલા, સહીતનાં શહેરોમાં ત્રાટકયા હતા અને ભારે તબાહી સર્જાઈ હતી. 13 લોકોના મોત નીપજયા હતા. અને અન્ય કેટલાંક ઘાયલ થયા હતા. ઠેકઠેકાણે પ્રચંડ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. ઈરાને બેલાસ્ટીક મીસાઈલો દાગી હોવાનું જાહેર થયુ છે.
યુદ્ધ વિરામનાં એલાનનાં કલાકોમાં જ ઈરાનના આ ભીષણ હુમલાથી બન્ને રાષ્ટ્રોમાં ફરી તનાવનો માહોલ સર્જાયો હતો. ઈઝરાયેલ ડીફેન્સ ફોર્સે સ્વીકાર્યું હતું કે ઈરાનનાં મિસાઈલ એટેકથી દેશભરમાં સાયરન ગુંજવા લાગ્યા હતા. વહેલી સવારે ચાર વાગ્યે હુમલો કર્યો હતો.
આ અગાઉ ઈરાનનાં વિદેશમંત્રી અબ્બાસ અરામચીએ જાહેર કર્યું હતું કે ઈઝરાયેલ હુમલા બંધ કરે તો ઈરાન જંગ રોકી શકે. ઈઝરાયેલ દ્વારા નાગરીકોને સુરક્ષીત સ્થળોએ આશ્રય લેવાની ચેતવણી આપવામાં આવી હતી. 12 દિવસથી ચાલતા યુદ્ધને ખતમ કરવા બન્ને દેશો વચ્ચે અનુકુળ વાતાવરણ બની રહ્યું હતું.
તેવા સમયે નવા ભીષણ હુમલાથી પેચીદી હાલત બની ગઈ છે. ઈઝરાયેલે પણ દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપવાનું જાહેર કરી દીધુ હતુ. અમેરીકી પ્રમુખની યુદ્ધ વિરામની જાહેરાત પછી ઈરાને હુમલો કર્યો હોવાનો દાવો ઈઝરાયેલ દ્વારા કરાયો હતો.