Iran,તા.06
ઈરાનની સંસદે એક મહત્ત્વપૂર્ણ બિલ મંજૂર કર્યું છે. આ બિલ મુજબ, દેશના ચલણ રિયાલમાંથી ચાર શૂન્ય દૂર કરવામાં આવશે. આ ફેરફારનો અર્થ એ છે કે 10,000 રિયાલની વેલ્યૂ હવે સીધી 1 રિયાલ બરાબર થઈ જશે.
જોકે આ પગલું માત્ર સંખ્યાઓનો ફેરફાર લાગે છે, પરંતુ તે ઈરાનની આસમાને પહોંચેલી મોંઘવારી, આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને ડામાડોળ અર્થતંત્રની વાસ્તવિકતા દર્શાવે છે.
ઈરાનના ચલણ રિયાલની વાત કરીએ તો 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછીથી રિયાલ સતત નબળો પડી રહ્યો છે અને તેનું મૂલ્ય કાગળ કરતાં પણ ઓછું થઈ ગયું છે. એક અમેરિકી ડોલર મેળવવા માટે 11,50,000 રિયાલ ચૂકવવા પડે છે. આનો સીધો અર્થ છે કે એક રોટલી ખરીદવા માટે પણ લોકોએ લાખોની નોટ ગણવી પડે છે.
આ ઉપરાંત, છેલ્લા ઘણાં વર્ષોથી મોંઘવારીનો દર 35%થી ઉપર રહ્યો છે, જે ક્યારેક 40% કે 50% સુધી પણ પહોંચી ગયો છે. ઈરાનની આવકનો મુખ્ય આધાર તેલની નિકાસ છે, પરંતુ અમેરિકી પ્રતિબંધોને કારણે ચીન સિવાય કોઈ દેશ તેની પાસેથી તેલ ખરીદી શકતું નથી. વર્લ્ડ બેન્કના મતે, તેલની નિકાસ બંધ થવાથી દેશના ખજાનાને મોટું નુકસાન થયું છે, જેના પરિણામે મોંઘવારી ચાર વર્ષ સુધી 40%ના સ્તરે ટકી રહી હતી.
ઈરાનના સરકારી મીડિયા મુજબ, રિયાલનું નામ તો એ જ રહેશે, પરંતુ તેમાંથી ચાર શૂન્ય દૂર કરાશે. કેન્દ્રીય બેન્કને તૈયારી માટે બે વર્ષનો સમય મળશે. પછી ત્રણ વર્ષનો પરિવર્તનનો સમયગાળો હશે, જેમાં જૂની અને નવી એમ બંને નોટો ચલણમાં રહેશે.
આ ફેરફારમાં, 10,000 જૂના રિયાલ બરાબર 1 નવો રિયાલ ગણાશે. આનાથી લેવડ-દેવડ સરળ બનશે અને બિલની ચૂકવણીમાં ગણતરીની મુશ્કેલી દૂર થશે. 10,000 રિયાલની જગ્યાએ હવે એક રિયાલ ચૂકવવો પડશે, એટલે કે લાખોને બદલે સેંકડોમાં ગણતરી કરવી પડશે.