New Delhi, તા.20
અનેક વખત સુપ્રીમ કોર્ટનો ઠપકો સહન કરી ચૂકેલી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને આજે ફરી એક વખત સર્વોચ્ચ અદાલતના આકરા મીજાજનો સામનો કર્યો હતો અને એક સમયની ટોચની કંપની ઈન્ડીયાબુલ હાઉસીંગ ફાઈનાન્સમાં જે નાણાકીય ગેરરીતિ થઈ છે તેની તપાસમાં જે રીતે એજન્સી આગળ વધી રહી છે તે બદલ પ્રશ્નનો મારો થયો હતો.
સુપ્રીમ કોર્ટે સીબીઆઈની કામગીરીની ટીકા કરતા કહ્યું કે તે ઈન્ડીયાબુલ સામે ફ્રેન્ડલી વર્તી રહી હોય તેવું જણાય છે અને સાથોસાથ કેન્દ્રના કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા જે રીતે સેબી અને ઈડીએ જે ગેરરીતિ દર્શાવી હતી તે પ્રકરણ બંધ કરવાના નિર્ણય સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ઈન્ડિયાબુલ હાઉસીંગ એ હવે વેચાઈ ગઈ છે અને સન્માન કેપીટલ લી.ના નામે કામ કરે છે.
તેમાં થયેલી નાણાકીય ગેરરીતિ મુદે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે કદી કોઈ તપાસ એજન્સી આ રીતે ફ્રેન્ડલી તપાસ કરી રહી હોય તેવું જોયું નથી. વાસ્તવમાં કંપનીએ જાહેર નાણાનો મોટો દૂરૂપયોગ કર્યો છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ આ મુદો આવ્યો હતો.
કહ્યું કે તપાસમાં જાહેરહિત છે અને જે રીતે ધીરાણ સહિતના મુદ્દે ગેરરીતિ થઈ છે તે હજુ પૂરી રીતે બહાર લાવી શકાય નથી. સર્વોચ્ચ અદાલત સમક્ષ સીટીઝન વ્હીસલ બ્લોઅર ફોરમ તે આ કંપનીની ગેરરીતિ મુદે કરેલી અરજી પર સુનાવણીમાં આ ટીપ્પણી થઈ હતી.

