રાજસ્થાનના એક ઇસ્કોનવાસીએ અરજદારને જણાવ્યું હતું કે, તેની દીકરીને એરપોર્ટ ઉપર મૂકવા પણ ગયા હતા
Ahmedabad, તા.૮
શ્રદ્ધાના સ્થળ સમાન ઇસ્કોન મંદિરમાં યુવાન દીકરીને ગોંધી રખાયા અને યુવતીઓનું બ્રેઇન વોશિંગ કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરતી આર્મીમેન પિતાની હેબિયસ કોર્પસ અરજીનો હાઇકોર્ટે નિકાલ કર્યો છે. આ રિટમાં આર્મી જવાનની દીકરીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવી ત્યારે તેણે એવી કેફિયત દર્શાવી હતી કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને તે પતિ સાથે જ રહેવા માગે છે. તેથી હાઇકોર્ટે રિટનો નિકાલ કર્યો હતો અને યુવતીને પોલીસ રક્ષણ પૂરું પાડવા અને પતિના ઘરે મૂકવાનો આદેશ કર્યો હતો. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા એક નિવૃત્ત આર્મી જવાને હાઈકોર્ટમાં એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હેબિયસ કૉર્પસ પિટિશન કરી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે, તેમને બે દીકરા અને એક પુખ્ત વયની દીકરી છે. દીકરીને ભક્તિભાવમાં રસ હોવાથી તે અમદાવાદના એસ.જી. હાઇવે સ્થિત ઇસ્કોન મંદિરમાં જતી હતી. જ્યાં સુંદર પ્રભુ નામની વ્યક્તિ તેના ગુરુ હતાં. તેઓ દીકરીને કૃષ્ણલીલા અંગે માહિતીઓ આપતા હતા. ઇસ્કોન મંદિર ઉપર વિશ્વાસ હોવાથી તેઓ દીકરીને ત્યાં જવા દેતા હતા.રિટમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે યુવાન દીકરીઓનું બ્રેઇન વોશ કરવામાં આવતું હતું. ત્યાંના સ્વામીઓ પોતે ભગવાન કૃષ્ણ હોવાનો આડંબર કરી ઇસ્કોનમાં રહેતી ૬૦૦ દીકરીઓ ગોપી હોય તેમ દીકરીઓને જણાવે છે. ગુરુના મહત્ત્વને માતા-પિતા કરતા ચઢિયાતું જણાવે છે. સુંદરમામા પ્રભુએ જણાવ્યું હતું કે, અરજદારની દીકરી સુંદર અને હોંશિયાર છે. જેથી તેને ઇસ્કોન મંદિરમાં રાખવાની છે. તેને પોતાના શિષ્ય સાથે પરણાવી દો, પરંતુ અરજદાર પોતે રાજપુરોહિત જાતિના હોવાથી અન્ય જાતિમાં પરણાવવા માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ અરજદારને ધમકીઓ મળવા લાગી હતી. તેમની દીકરીને ભડકાવીને ૨૩ તોલા સોનું અને રૂ. ૩.૬૨ લાખ રોકડા લઈને મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દેવામાં આવી છે. તે અત્યારે ઉત્તર પ્રદેશના મથુરા ખાતે જ રહે છે, તેવી અરજદાર પાસે માહિતી પણ છે. રાજસ્થાનના એક ઇસ્કોનવાસીએ અરજદારને જણાવ્યું હતું કે, તેની દીકરીને એરપોર્ટ ઉપર મૂકવા પણ ગયા હતા. આ ધર્મ અને ઈશ્વરનું અપમાન છે. દીકરી જૂન મહિનાના અંતમાં ચાલી ગઈ હતી. જુલાઈ મહિનામાં પોલીસ કમિશનર, કાયદામંત્રી અને ગૃહમંત્રીને અરજી આપવામાં આવી હતી.