Islamabad,તા.૨૫
ભારતનો પડોશી દેશ પાકિસ્તાન ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યો હતો. સોમવારે સવારે ૫ઃ૩૯ વાગ્યે પાકિસ્તાનના ઉત્તરીય વિસ્તારોમાં ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં ૩૬.૧૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૨૬ પૂર્વ રેખાંશ પર ૨૫ કિલોમીટરની ઊંડાઈએ હતું.
પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા ઇસ્લામાબાદ, રાવલપિંડી અને ખૈબર પખ્તુનખ્વાના કેટલાક ભાગોમાં અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
પાકિસ્તાન, જે ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના જંકશન પર સ્થિત છે. ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ વિસ્તાર છે. તાજેતરના અઠવાડિયામાં પાકિસ્તાનમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આમાં ૧૯ અને ૨૦ ઓગસ્ટના રોજ ૫.૫ અને ૩.૭ ની તીવ્રતાના ભૂકંપનો સમાવેશ થાય છે.