Dubai,તા.૩૦
ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન, ઇઝરાયલે તેહરાનની કુખ્યાત એવિન જેલ પર ખૂબ જ ભયંકર હુમલો કર્યો હતો. ઈરાનના ન્યાયતંત્રએ કહ્યું કે ગયા સોમવારે જેલ પર ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા ૭૧ લોકો માર્યા ગયા હતા. આ જેલમાં ઘણા રાજકીય કાર્યકરો રાખવામાં આવ્યા છે.
ઈરાન પર ઈઝરાયલ દ્વારા આ એક ખૂબ જ મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. મિઝાન’ ની વેબસાઇટ પર પ્રસારિત થયેલા એક સમાચારમાં ન્યાયતંત્રના પ્રવક્તા અસગર જહાંગીરે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાં કર્મચારીઓ, સૈનિકો, કેદીઓ અને મુલાકાત લેવા આવેલા પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
એવિન જેલ તેહરાનના એવિન વિસ્તારમાં આવેલી છે. એટલા માટે તેને એવિન જેલ કહેવામાં આવે છે. અહીં ૧૦ થી ૧૫ હજાર કેદીઓને રાખવાની વ્યવસ્થા છે. રાજકીય કેદીઓ, પત્રકારો, શિક્ષણવિદો, માનવાધિકાર કાર્યકરો, બેવડી નાગરિકતા ધરાવતા અને વિદેશી કેદીઓને અહીં રાખવામાં આવે છે. માનવાધિકાર જૂથોએ ઘણી વખત આ જેલને ત્રાસનું પ્રતીક ગણાવી છે, જ્યાં ત્રાસમાં માર મારવો અને એકાંતમાં વીજળીનો આંચકો આપવો, બળજબરીથી કબૂલાત કરવી, ઊંઘનો અભાવ અને જાતીય શોષણનો સમાવેશ થાય છે. ઇઝરાયલી હુમલામાં મુખ્ય દરવાજો, વહીવટી મકાન, તબીબી કેન્દ્ર અને મુલાકાત હોલ સહિત જેલના ઘણા ભાગો નાશ પામ્યા હતા.