Israel,તા.17
ઈઝરાયલે શુક્રવારે યમનના હુથીના કબજા હેઠળના પોર્ટ પર ભયાનક હવાઈ હુમલા શરૂ કરી દીધા. હમાસ બાદ હવે હુથીઓનો ખાત્મો બોલાવવા ઈઝરાયલે સોગંદ લીધા છે. ઈઝરાયલના ડિફેન્સ મિનિસ્ટર ઈસરાઈલ કાત્ઝે હુથીઓ પર હુમલાની પુષ્ટી કરતાં કહ્યું કે યમનમાં હુથીઓના કબજા હેઠળના બંદરોને મોટાપાયે નુકસાન પહોંચાડાયું છે. અમે હુથીઓના નેતાઓનો સફાયો કરી નાખવાના સોગંદ લીધા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ કાર્યવાહીની પ્રશંસા કરતા કહ્યું કે, અમારા પાઇલટ્સે હુથી આતંકવાદીઓના બે ઠેકાણાઓ પર સફળતાપૂર્વક હુમલો કર્યો છે. અમે હુથીઓને વધુ નુકસાન પહોંચાડીશું, જેમાં તેમના નેતાઓ અને તેઓ જે માળખાકીય સુવિધાઓનો ઉપયોગ અમને નુકસાન પહોંચાડવા માટે કરે છે તેનો પણ સમાવેશ થાય છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી કાત્ઝે કહ્યું કે જો હુથી સંગઠનો ઈઝરાયલ પર મિસાઈલ હુમલા કરવાનું ચાલુ રાખશે તો તેમના નેતાઓએ પણ ગંભીર પરિણામ ભોગવવા પડશે. જેવી રીતે અમે ગાઝામાં હમાસના સૈન્ય પ્રમુખ મોહમ્મદ દેઈક, સિનવારી (હમાસ નેતા) અને બેરુતમાં હસન નસરલ્લાહ (હિઝબુલ્લાહ લીડર), તહેરાનમાં હાનિયા (હમાસ પ્રમુખ) પર હુમલા કર્યા હતા એ જ રીતે યમનમાં અબ્દુલ મલીક અલ હુથીને નિશાન બનાવીશું. અમે કોઈપણ શત્રુ વિરુદ્ધ અમારી તાકાતથી પોતાનો બચાવ કરવાનું ચાલુ રાખીશું.