Israel,તા.30
લાંબા સમયથી હમાસ અને ઈરાન સામે યુદ્ધ લડી રહેલા ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને મોટી રાહત મળી છે. જેરુસલેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેમને ભ્રષ્ટાચારના કેસમાં તાત્કાલિક રાહત આપી છે. રવિવારે, કોર્ટે 4 વર્ષથી ચાલતા તેમના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી આગામી બે અઠવાડિયા માટે મુલતવી રાખી હતી.
નેતન્યાહૂ વિરુદ્ધ 2019 થી લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસ ચાલી રહ્યા છે. સરકારી એજન્સીઓ દ્વારા તપાસ બાદ, આ કેસની સુનાવણી હવે 2020 થી કોર્ટમાં થઈ રહી છે.શુક્રવારે નેતન્યાહૂના વકીલોએ કોર્ટને અપીલ કરી હતી કે ગાઝા યુદ્ધ અને તાજેતરમાં ઈરાન સાથે પૂર્ણ થયેલા 12 દિવસના યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે નેતન્યાહૂની હાજરી બે અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવે.
જેરુસલેમ ડિસ્ટ્રિક્ટ કોર્ટે નેતન્યાહૂના વકીલોની અરજી સ્વીકારી, જેમાં તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને રાજદ્વારી મુદ્દાઓને ટાંકીને સુનાવણી મુલતવી રાખવાની માંગ કરી હતી. જે અગાઉ કોર્ટે ફગાવી દીધી હતી. પરંતુ ટ્રમ્પના જાહેર નિવેદન અને ઇઝરાયલી ગુપ્તચર એજન્સીઓના વડાઓની જુબાની પછી, કોર્ટે પોતાનું વલણ બદલ્યું. કોર્ટે કહ્યું કે, ‘વડાપ્રધાન નેતન્યાહૂના ટાઈમટેબલ અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને આ અઠવાડિયાની સુનાવણી રદ કરવામાં આવે છે.’ આ સુનાવણી મુલતવી રહેવાથી નેતન્યાહૂ માટે કામચલાઉ રાહત છે, કારણ કે તેમની ઊલટતપાસ 3 જૂનથી શરૂ થઈ હતી અને આગામી એક વર્ષ સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર નેતન્યાહૂ વિરુદ્ધ ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસની આકરી ટીકા કરી હતી અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. ટ્રમ્પે લખ્યું હતું કે, ‘ઇઝરાયલમાં નેતન્યાહૂ સાથે જે થઈ રહ્યું છે તે અત્યંત શરમજનક છે. તેઓ એક યુદ્ધ નાયક છે અને તેમણે ઈરાનના ખતરનાક પરમાણુ ખતરાને દૂર કરવા માટે અમેરિકા સાથે મળીને ઉત્તમ કામ કર્યું છે.’ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, ‘યુનાઇટેડ સ્ટેટ્સ દર વર્ષે ઇઝરાયલના રક્ષણ અને સમર્થન માટે અબજો ડોલર ખર્ચ કરે છે, જે અન્ય કોઈપણ દેશ કરતાં ઘણું વધારે છે. અમે આ સહન કરીશું નહીં.’ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે નેતન્યાહૂને આ બાબતમાં વ્યસ્ત રાખવાથી ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટેના પ્રયાસો તેમજ ઈરાન સાથેના નાજુક યુદ્ધવિરામમાં અવરોધ આવશે.આના પર બેન્જામિન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માનતા કહ્યું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ, તમારો ફરી એકવાર આભાર. સાથે મળીને આપણે મધ્ય પૂર્વને ફરીથી મહાન બનાવીશું.’