Rachi તા.16
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ 2040માં ભારતીય અંતરિક્ષ યાત્રીને ચંદ્ર પર ઉતારવાનું લક્ષ્ય નકકી કર્યું છે. ઈસરો પ્રમુખ વી.નારાયણને રાંચીના મેસરા સ્થિત બિરલા ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના 35મા દીક્ષાંત સમારોહને સંબોધીત કરતા કહ્યું હતું કે પહેલું સમાનવ ચંદ્ર મિશન `ગગનયાન’ 2027નો પ્રથમ ત્રિમાસિકમાં લોન્ચ થઈ શકે છે.
ઈસરો પ્રમુખ વી.નારાયણને જણાવ્યું હતું કે હાલના સમયમાં અંતરિક્ષ સાથે જોડાયેલી અનેક પરિયોજનાઓ અને ક્ષેત્રીય સુધારા ચાલી રહ્યા છે. તેમાં 2035 સુધી ભારતીય અંતરિક્ષ સ્ટેશનની સ્થાપના અને 2026 સુધી ત્રણ બિન માનવ ગગનયાન મિશન સામેલ છે. તેમાંથી પ્રથમ મિશન ડિસેમ્બર 2025માં મોકલવામાં આવશે.
જેમાં `વ્યોમમિત્રા’ નામની એક અર્ધ માનવાકાર રોબેટ પણ સામેલ હશે. ભારતીય અંતરિક્ષ સ્ટેશનના પ્રારંભીક મોડયુલ 2027 સુધીમાં અંતરિક્ષમાં મોકલવામાં આવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ 2040 સુધીમાં સ્વદેશી માનવયુક્ત ચંદ્ર મિશન માટે દિશા-નિર્દેશ આપ્યા છે, જે અંતર્ગત આપણે આપણા નાગરિકોને ચંદ્ર પર ઉતારીને પાછા પૃથ્વી પર લાવવાના છે. આ ઉપરાંત શુક્ર ગૃહનું સંશોધન કરવા માટે વિનસ ઓર્બિટર મિશનને પણ મંજુરી મળી છે.
ઈસરો પ્રમુખે કહ્યું હતું કે ગગનયાન મિશનમાં નિરંતર પ્રગતિ થઈ રહી છે. અમે કેટલાક નવા પ્રયોગો કરવાની પણ કેટલીક યોજના બનાવી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે `આદિત્ય-એલ1 મિશને અત્યાર સુધીમાં 15 ટેરાબિટથી વધુ સૌર ડેટા એકત્ર કર્યા છે, જેનાથી સૂર્યના કોરોના વિસ્ફોટ અને અંતરિક્ષ સાથે જોડાયેલ હવામાનમાં જરૂરી માહિતી મળી રહી છે…