New Delhi,તા.25
દિલ્હીના હરિયાણા ભવન ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વડા મોહન ભાગવત અને દેશભરમાંથી આવેલા મુસ્લિમ ધર્મગુરુઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં અખિલ ભારતીય ઈમામ સંગઠન(AIIO)ના પ્રમુખ ડો. ઈમામ ઉમર ઇલિયાસીના નેતૃત્ત્વમાં લગભગ 60 મુસ્લિમ પ્રતિનિધિ પહોંચ્યા હતાં.
RSS ના વડા મોહન ભાગવતે મુસ્લિમ ધર્મગુરુઓ સાથે બેઠક યોજી હતી. જેમાં સંઘના અનેક વરિષ્ઠ પદાધિકારીમાં દત્તાત્રેય હોસબાલે, કૃષ્ણ ગોપાલ અને ઇન્દ્રેશ કુમાર પણ હાજર હતા.
જ્યારે મુસ્લિમ પક્ષમાં ઑલ ઇન્ડિયા ઉલેમા કાઉન્સિલના અધ્યક્ષ મુફ્તી સૈયદ ટીટી, શાહી ઈમામ લખનઉ સય્યદ શાહ ફજલુલ મલન રહમાની, જુબેર ગોપલની સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં હિંદુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે ભાઈચારો વધે, ગેરસમજ દૂર કરવા અને સમાજમાં એકતા જળવાય રહે તે માટે આ બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને પક્ષોએ પોતાની વાત રજૂ કરી અને એકબીજાને ધ્યાનથી સાંભળ્યા હતા. જેમાં ખાસ કરીને વકફ બોર્ડ, લિંચિંગ, મદરેસાની સ્થિતિ, પહલગામ અને જઈંછ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં એ પણ નક્કી કરાયું કે, બંને સમુદાય વચ્ચેની ગેરસમજને વાતચીત દ્વારા પૂરી કરવામાં આવે અને સમાજમાં શાંતિ-ભાઈચારાનો સંદેશ ફેલાવવામાં આવે.
જેમાં મુસ્લિમ ધર્મગુરુઓએ જણાવ્યું હતું કે, ’RSSના વડાએ તમામ મુદ્દાને ગંભીરતાથી સાંભળ્યા અને સાથે મળીને સમાધાન લાવવાની વાત કરી હતી.મુસ્લિમ સમુદાયના લોકોએ કહ્યું કે, ’પ્રેમ અને ભરોસાની વાત થઈ છે અને હવે આગળ પણ આ પ્રકારે જ સંવાદ થતા રહેશે.’