New Delhi,તા.19
હાલના નાણાકીય વર્ષમાં ડાયરેકટ ટેકસ કલેકશન બજેટમાં આપવામાં આવેલા 22.07 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યથી વધુ રહી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીઝ (સીબીડીટી) ચેરમેન રવિ અગ્રવાલે સોમવારે આ વાત જણાવી હતી.
તેમણે એમ પણ કહ્યું હતું કે ઈન્કમટેકસ એકટ 1961ની જોગવાઈની જટિલતાઓ દૂર કરવા અને તેને સામાન્ય કરદાતાઓને સમજવાલાયક બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં ટેકસપેયર લાઉંજનું ઉદઘાટન કરતા અગ્રવાલે આશા વ્યક્ત કરી હતી કે આગામી સામાન્ય બજેટમાં આ ફેરફારોને સામેલ કરવામાં આવી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટમાં ઈન્કમટેકસ એકટની ઓવર હોલીંગની વાત કરી હતી. અગ્રવાલે કહ્યું હતું કે આ બારામાં 6000 થી વધુ સૂચન આવ્યા છે. આગામી સામાન્ય બજટમાં આ કામ થવાની આશા બતાવતા તેમણે જણાવ્યું હતું કે દરેક સૂચનો પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે.
કોઈપણ ફેરફાર સાચા સમયે થાય છે. આ વખતે લાગી રહ્યું છે કે ખરો સમય આવી ગયો છે.
21 ડિસેમ્બરે જીએસટી કાઉન્સિલની બેઠક
જીએસટી કાઉન્સીલની આગામી બેઠક 21 ડિસેમ્બરે યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં યોજાનાર આ બેઠકમાં લાઈફ અને હેલ્થ અને ઈુસ્યોરન્સના પ્રીમિયમને જીએસટીથી હટાવવા કે ઘટાડવાનો ફેસલો લેવાઈ શકે છે. સાથે સાથે કેટલીક વસ્તુઓ અને સેવાઓના રેટ સ્લેબ બદલવાની દિશામાં પણ પગલા લેવાઈ શકે છે.