Surat, તા.28
સુરતના ડાયમંડ કીંગ એવા જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઇ ગજેરાને ત્યાં આજે સવારે ઇન્કમટેક્ષે મોટા પાયે દરોડાની કાર્યવાહી શરૂ કરતા સમગ્ર સુરતમાં ચકચાર ફેલાઇ છે. અમરેલી સુધી વેપાર ધંધો અને સામાજિક સહિતની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગ્રુપ પર મોટા આદેશના પગલે દરોડાનો દોર શરૂ થયાનું જાણવા મળ્યું છે.
તાજેતરમાં અમદાવાદમાં આવકવેરા વિભાગે મોટું ઓપરેશન કર્યું હતું. આ બાદ ડાયમંડ સીટી સુરતમાં આ દરોડા શરૂ કરવામાં આવ્યા છે, વસંતભાઇ અને ચુનીભાઇના ધંધાકીય સ્થળો, કંપનીની ઓફિસો પર આ તપાસ ચાલી રહી છે.
રીયલ એસ્ટેટમાં પણ આ ગ્રુપ જોડાયેલું હોય બન્ને ધંધાઓ અને તેના વ્યવહારો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ડાયમંડ અને રીયલ એસ્ટેટમાં કુલ 30 થી વધુ જગ્યાઓ પર આ દરોડાનો દોર ચાલી રહ્યો છે.
સુરત ઉપરાંત વલસાડ અને મુંબઇમાં પણ આવકવેરાની ટીમોએ દરોડા પાડયા છે. અમદાવાદ સહિતની આવકવેરા અધિકારીઓની ટીમ સવારથી સર્ચમાં લાગી છે. સૌરાષ્ટ્રમાંથી પણ આવકવેરા અધિકારીઓને તેડાવામાં આવ્યાનું જાણવામાં મળ્યું છે.
આ દરોડામાં હજુ સુધી કેટલો મોટો દલ્લો કે બેનામી વ્યવહારો પકડાયા તે હજુ બહાર આવ્યું નથી. પરંતુ મોટા પાયે ડાયમંડ અને રીયલ એસ્ટેટના ધંધા પર પડેલા દરોડાથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતા છે.
આજે સવારે હજુ આવકવેરા વિભાગે કોઇ સત્તાવાર માહિતી જાહેર કરી નથી. પરંતુ બપોર બાદ કરચોરી સહિતની બાબતો અંગે પ્રાથમિક વિગતો જાહેર થશે તેમ માનવામાં આવે છે.

