New Delhi,તા.26
એશિયા કપ ક્રિકેટ 2025 શરૂ થવામાં પખવાડિયાથી વધુનો સમય બાકી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બરની મેચને લઈને પણ સસ્પેન્સ ખતમ થઈ ગયું છે. ટી-20 ફોર્મેટમાં ભારતીય ટીમ હાલની વર્લ્ડ અને એશિયા ચેમ્પિયન છે.
તાજેતરનાં પ્રભુત્વને જોતાં નિષ્ણાતો માને છે કે આ વખતે સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે ટાઇટલ જીતવું એ સરળ સાબિત થશે. ભારતનાં ભૂતપૂર્વ ઓપનર વિરેન્દ્ર સેહવાગે કહ્યું છે કે, સૂર્યકુમારની નીડર આગેવાનીમાં અમારી ટીમ આગામી એશિયા કપમાં વિજય મેળવશે.
આ ટૂર્નામેન્ટ યુએઈમાં 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. ભારતીય ટીમને ગ્રુપ એમાં પાકિસ્તાન સાથે સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રુપની અન્ય બે ટીમો ઓમાન અને યજમાન યુએઈ છે. આવી સ્થિતિમાં આ વખતે ગ્રુપ સ્ટેજમાં ભારતને પાકિસ્તાન તરફથી થોડો પડકાર મળશે.
બ્રોડકાસ્ટર સોની સ્પોર્ટ્સ નેટવર્કના ’રગ રગ મેં ભારત’ અભિયાન દરમિયાન સેહવાગે કહ્યું, “આ ભારતીય ટીમમાં યુવાનો અને અનુભવનું યોગ્ય મિશ્રણ છે.‘સૂર્યકુમારની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા ફરી એક વખત ટુર્નામેન્ટમાં પ્રભુત્વ જમાવી શકે છે. તેની આક્રમક માનસિકતા ટી-20 ફોર્મેટ માટે એકદમ અનુકૂળ છે અને જો ટીમ તે ઈરાદા સાથે રમશે તો ભારત ટ્રોફી જીતશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.’
ટેલરે તાકાત બતાવી
ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેન રોસ ટેલરે કહ્યું કે, એશિયા કપ માટે ભારતની ટીમમાં શ્રેયસ અય્યરની ગેરહાજરી દર્શાવે છે કે દેશમાં પ્રતિભાશાળી ખેલાડીઓની કોઈ કમી નથી. અય્યરે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમની કેપ્ટનશિપમાં કોલકાતા નાઇટ રાઇડર્સે 2024નું આઇપીએલ ટાઇટલ જીત્યું હતું, જ્યારે આ વર્ષે પંજાબ કિંગ્સ તેમની કેપ્ટન્સી હેઠળ ફાઇનલમાં પહોંચી હતી.
ટેલરે કહ્યું, ‘જ્યારે આવા મહાન ખેલાડીને છોડી શકાય છે, ત્યારે ટીમને ઉપલબ્ધ વિકલ્પો જાણી શકાય છે. ટેલરે પણ ભારતીય ટીમ અને શુબમન ગિલના ભરપેટ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે “ઇંગ્લેન્ડ શ્રેણી અદભૂત રહી હતી. શુબમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમે પોતાની તાકાત બતાવી હતી.
ગિલ તે સમયે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો
આ વખતે એશિયા કપની ટીમમાં શુબમન ગિલની પસંદગી કરીને તેને વાઇસ કેપ્ટન બનાવવામાં આવતાં કેટલાક પ્રશ્ર્નો ઊભાં થયાં હતાં. ભારત એશિયા કપમાં હાલ ચેમ્પિયન છે અને આખરી ટાઈટલ જીતવામાં શુભમન ગિલે મહત્વની ભૂમિકા ભજવી હતી, જોકે તે વખતે આ ફોર્મેટ વન ડે હતું, પણ ગીલ છેલ્લી વખતનો ટોપ સ્કોરર છે.
છેલ્લે શ્રીલંકામાં રમાયેલા એશિયા કપમાં તેણે છ ઈનિંગમાં 75.50ની સરેરાશથી 302 રન ફટકાર્યા હતાં, જે ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ રન હતાં. ગિલ ઇંગ્લેન્ડમાં છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ રહ્યો હતો. તેણે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી વખત બતાવી દીધું છે કે પડકાર જેટલો મોટો, તેટલું જ તેનું બેટ બોલે છે.