Chennai,તા.૨૯
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું મેદાન પર પ્રદર્શન શાનદાર જોવા મળી રહ્યું છે, જેમાં તેઓએ પોતાની પહેલી મેચ ૭ વિકેટથી જીતી હતી, જ્યારે બીજી મેચમાં તેઓએ ચેન્નાઈ સુપર કિંગ્સને ૫૦ રનથી હરાવ્યું હતું. આ મેચમાં, આરસીબીએ સીએસકેને એક પણ વાર દબાણ બનાવવાની તક આપી ન હતી અને સતત પોતાને મેચમાં ખૂબ આગળ રાખ્યા હતા. આ મેચમાં,સીએસકે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી જેમાં તેણે પોતાના આઇપીએલ કારકિર્દીમાં ૩૦૦૦ રનનો આંકડો પૂર્ણ કર્યો. આ સાથે, જાડેજાએ આઇપીએલમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો જે આ ટી ૨૦ લીગના ૧૮ વર્ષના ઇતિહાસમાં પહેલાં કોઈ ખેલાડી હાંસલ કરી શક્યો ન હતો.
રવિન્દ્ર જાડેજાએ આરસીબી સામેની આ મેચમાં બેટથી ૨૫ રનની ઇનિંગ રમી હતી, જેના કારણે તે તેના આઇપીએલ કારકિર્દીમાં ૩૦૦૦ રનનો આંકડો પૂર્ણ કરવામાં સફળ રહ્યો. જાડેજા હવે આઇપીએલમાં ત્રણ હજારથી વધુ રન બનાવવાની સાથે ૧૫૦ થી વધુ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેમના પહેલા,આઇપીએલના ૧૮ વર્ષના ઇતિહાસમાં કોઈ પણ ખેલાડી આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હતો. જાડેજાએ અત્યાર સુધીમાં આઇપીએલમાં કુલ ૨૪૨ મેચ રમી છે, જેમાં તેને ૧૮૬ ઇનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી છે અને આમાં તે ૨૭.૨૮ ની સરેરાશથી ૩૦૦૧ રન બનાવવામાં સફળ રહ્યો છે. જાડેજાના નામે આઇપીએલમાં ત્રણ અડધી સદીની ઇનિંગ્સ પણ છે.
જો આપણે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રવિન્દ્ર જાડેજાના બોલિંગ પ્રદર્શન પર નજર કરીએ તો તે પણ શાનદાર રહ્યું છે, જેમાં તેણે ૨૪૨ મેચની ૨૧૩ ઇનિંગ્સમાં બોલિંગ કરતી વખતે ૩૦.૭૬ ની સરેરાશથી ૧૬૦ વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન, તેમનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન ૧૬ રનમાં ૫ વિકેટ રહ્યું છે.આઇપીએલમાં બોલ સાથે જાડેજાનો ઇકોનોમી રેટ ૭.૬૪ રહ્યો છે. રવિન્દ્ર જાડેજાની ગણતરી હાલમાં વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે.