Jafrabad, તા.૨૩
જાફરાબાદ તાલુકાના વડલી ગામે સામાન્ય બાબતે હત્યા કરતા નાનકડા ગામમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ ફરીયાદીની દિકરીએ પ્રેમલગ્ન કર્યા હોય અને તેમનો પતિ રમેશ દાદુભાઇ બાંભણીયા તેમની પત્નીને હેરાન-પરેશાન કરતો હોય જેથી તેમની પત્ની તેના પિયર જતી રહેલ હોય જેનુ મનદુઃખ રાખીને આરોપી રમેશ બાંભણીયાએ વડલી ગામમાં મોડીરાત્રીએ બજારમાં તેમના સાળા સાથે જુની અદાવત રાખી બનેવીએ બજારમાં જ સાળાને પેટમાં પાટુ મારીને પાડી દીધો હતો. ત્યારબાદ લાકડા વડે માર મારતા સાળા પ્રવીણ જીલુભાઇ સોલંકીનું મોત થવાથી મામલો હત્યામાં પલટાયો હતો. આ ઘટના પગલે મોડીરાતે નાગેશ્રી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને પોલીસ દ્વારા મૃતકની લાશને જાફરાબાદ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવેલ. બાદમા ફોરેન્સીક પીએમ અર્થે ભાવનગર ખાતે ખસેડવામા આવેલ છે. મૃતકના પિતાએ આરોપી રમેશ બાંભણીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવતા નાગેશ્રી પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપી રમેશ બાંભણીયાને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને સગા બનેવીએ જ સાળાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

